બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસને મોટો પુરાવો હાથ લાગ્યો છે.
પોલીસને મળેલા પુરાવાથી માલૂમ પડ્યું છે કે, આ ઘટના પાછળ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈનો હાથ હતો. પોલીસને આરોપી પાસેથી ઓડિયો રેકોર્ડિંગ મળ્યું હતું. આ રેકોર્ડિંગનો અવાજ એજન્સી પાસે રાખેલા અનમોલ બિશ્નોઈના ઓડિયો સેમ્પલ સાથે મેળ ખાય છે.આ રેકોર્ડિંગ પરથી એવું પણ બહાર આવ્યું છે કે ગોળીબાર થયો ત્યારથી લઈને બે આરોપીઓ છુપાયા ત્યાં સુધી અનમોલ શૂટરોના સતત સંપર્કમાં હતો. પોલીસને ધરપકડ સમયે જે મોબાઈલ ફોન મળ્યો હતો તેમાં અનમોલનું કૉલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું.મહત્ત્વનું છે કે, થોડા સમય પહેલા પોલીસે આ કેસમાં સલમાન ખાનનું નિવેદન નોંધ્યું હતું. તેણે પોલીસને જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તે ઘરે હતો અને ઘરે પાર્ટી હોવાથી મોડી રાત્રે સૂઈ ગયો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેના ફ્લેટની બાલ્કનીમાં વાગી રહેલી ગોળીના અવાજથી તે જાગી ગયો હતો.
એક્ટરે કહ્યું કે, એક ઝટકા સાથે ઉભો થયો અને જોવા માટે બાલ્કનીમાં ગયો પરંતુ તેને ત્યાં કોઈપણ દેખાયું નહી. ૧૪ એપ્રિલે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર બાઇક સવાર બે લોકોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં પોલીસે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ગુજરાતમાંથી ધરપકડ કરાયેલા વિકી ગુપ્તા અને સાગર પાલનો સમાવેશ થાય છે. અનુજ થાપન અને અન્ય એકની ૨૬ એપ્રિલે પંજાબમાંથી અટકાયત કરવામાં આવી હતી. આ કેસમાં કુલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી અનુજ થપનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું.
Reporter: News Plus