પાટનગરમાં ૧૦૩૪ મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર...કેટલાક મકાનો ૫૦ વર્ષથી વધુ જુના હોવાથી સર્વે કરવામાં આવ્યો છે. જેમાં આવા ૧૦૩૪ મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કેટેગરીના સરકારી આવાસોનું બાંધકામ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કેટલાક મકાનો પ૦ વર્ષથી વધુ જુના ખખડધજ હોવાથી તેનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આવા ૧૦૩૪ મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૬૦૦૦ થી વધારે ભયજનક મકાનો હોવાનું ધ્યાને આવેલ છે જેથી પાટનગર યોજના દ્વારા આ મકાનો ખાલી કરવા (ઇવેક્શન) માટે તેમાં રહેતા કર્મચારીઓને નોટિસ આપવામાં આવેલ છે. તેમ છતા મકાનો ખાલી કરવામાં આવ્યા નથી જેથી કલેક્ટર કચેરીમાં પણ ઈવેક્શન માટેની જાણ કરવામાં આવી છે ચોમાસાની ઋતુમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મુખ્ય સચિવની સૂચના મુજબ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મકાનો ખાલી કરવાની કામગીરી કરવામાં આવશે આ મામલે GPMC એક્ટ 1949ની કલમ 264 મુજબ મ્યુનિસિપલ કમિશનર સત્તાની રૂએ આ મકાન ખાલી કરાવી શકે છે.
આ બાબતને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવશે અને જરૂર પડ્યે મકાનોનું પાણી કનેક્શન કાપવા, વીજ જોડાણ કાપવા તથા મકાનોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે જેથી આવા જર્જરિત મકાનોમાં વસવાટ કરતા કર્મચારીઓને વહેલી તકે મકાન ખાલી કરવા માટે જણાવવામાં આવેલ છે. ઉપરયુક્ત બાબતે ગાંધીનગર મહાનગરપાલિકાની કચેરીમાં GUDA, પાટનગર યોજના વિભાગ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગુજરાત પોલિસ આવાસ નિગમ લિમિટેડ, તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત મીટિંગ કરીને જરૂરી સૂચના આપવામાં આવેલ છે.
Reporter: News Plus