વડોદરા: બ્રિજ તૂટવાના મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માહિતી અનુસાર એક ટ્રક, એક બોલેરો અને એક બાઈક પણ નદીમાં ખાબક્યા હોવાના અહેવાલ છે. આ મામલે ખુદ કલેક્ટરે ઘટનાની જાણકારી આપી છે. જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પણ એક્સ પર પોસ્ટ કરીને ઘટનાના વીડિયો શેર કર્યા હતા. બ્રિજ ધરાશાયી થઈ જવાને કારણે મોટાપાયે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને અમિત ચાવડાએ ટ્રાફિકનો નિકાલ લાવવા વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્રને અપીલ કરી હતી. આ બ્રિજનું નામ ગંભીરા બ્રિજ હોવાની જાણકારી મળી છે.

આજે મુજપુર ગંભીરા બ્રિજ તૂટ્યો.અનેક વાહનો નદીમાં પડ્યા. અનેક મોતની આશંકા.ભાજપના રાજમાં રસ્તા જ નહીં પરંતુ હવે બ્રિજ પણ અસલામત.ભ્રષ્ટાચારની પરાકાષ્ટા. ગુજરાતનાં તમામ વિભાગો કોન્ટ્રાક્ટરોને ભરોસે. દરેક કોન્ટ્રાક્ટરોની પાછળ બે ચાર નેતાઓનું પીઠબળ. ભાગબટાઈનાં ધંધા જ્યાં થતા હોય ત્યાં આવા જ બ્રિજ હોવાના ને આવા જ રસ્તા રહેવાના. વિકાસની વાતો કરીને લોકોને મૂર્ખ બનાવવાના. મોટાભાગના મોટા કોન્ટ્રાક્ટરોના ભાગીદારો શાસક પક્ષના નેતાઓનાં ભાગીદાર. હવે તપાસ મુકાશે. તપાસ વર્ષો સુધી ચાલશે. ગુનો દાખલ થશે. એ જ આરોપીઓને એમના જ માણસો જામીન ઉપર છોડાવશે.થોડા દિવસમાં લોકો ભૂલી જશે.




Reporter: admin







