હરિયાણામાં ભાજપ સરકારમાંથી 3 અપક્ષ ધારાસભ્યોએ સમર્થન પાછું ખેંચી લીધા ભાજપ સરકાર સામે સંકટ ઉભું થયું છે.
આ ઘટના બાદ કોંગ્રેસ પાર્ટીએ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળવા માટે સમય માંગ્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાયબ સિંહ સૈનીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સીએમ ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે રાજ્યપાલ પાસેથી 10 મેના રોજ એપોઇન્ટમેન્ટ માંગવામાં આવી છે. અમારા ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ જશે. દુષ્યંત ચૌટાલાએ પણ પોતાના ધારાસભ્યોને લાવવા જોઈએ. વર્તમાન સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. નૈતિક ધોરણે મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. રાષ્ટ્રપતિ શાસન લાદીને ચૂંટણી કરાવવી જોઈએ.
બીજી તરફ, ભાજપના પૂર્વ સહયોગી જનનાયક જનતા પાર્ટી (જેજેપી) એ પણ રાજ્યપાલને પત્ર લખીને સૈની સરકારના ફ્લોર ટેસ્ટની માગ કરી છે.
પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાએ ગુરુવારે રાજ્યપાલને પત્ર લખ્યો હતો. ચૌટાલાએ કહ્યું કે જો બહુમતી ન હોય તો તરત જ રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. તેમણે ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો આરોપ પણ લગાવ્યો હતો. દુષ્યંત ભાજપ-જેજેપી ગઠબંધન સરકારમાં સાડા ચાર વર્ષ સુધી ડેપ્યુટી સીએમ હતા.
દરમિયાન, પુંડરીના ધારાસભ્ય રણધીર ગોલન, નીલોખેરીના ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને ચરખી દાદરીના ધારાસભ્ય સોમવીર સાંગવાને, જેમણે ભાજપ સરકારમાંથી સમર્થન પાછું ખેંચ્યું છે, તેઓએ રાજ્યપાલને સમર્થન પાછું ખેંચવાના પત્રો સુપરત કર્યા છે. જેના કારણે મુખ્યમંત્રી નયબ સિંહ સૈની સરકાર લઘુમતીમાં આવી ગઈ છે.
Reporter: News Plus