વડોદરા : કપુરાઇ ચોકડી પાસે સર્જાયેલા ભયાવહ અકસ્માતમાં ચાર લોકોનો માંડ-માંડ જીવ બચ્યો છે.

ગત મોડીરાત્રે શહેર પાસેથી પસાર થતાં હાઇવે પર કાર પર આખે આખી ટ્રક ચડી જતાં ચારમાંથી ત્રણ લોકો ફસાઈ ગયાં હતાં. આ ઘટનામાં કારનું પડીકું વળી ગયું છે. આ અંગેનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ અને પોલીસની ટીમો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. કારમાં રહેલાં ચાર લોકોને ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. વડોદરા શહેર પાસેથી પસાર થયાં હાઈવે પર તરસાલી બ્રિજથી કપુરાઇ ચોકડી તરફ આવતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરત તરફથી આવતી કાર ઉપર આખેઆખી ટ્રક ચડી ગઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ બનાવ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણ વ્યક્તિનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કારમાં કુલ ચાર વ્યક્તિ સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો અને અન્ય ત્રણ વ્યક્તિ કારમાં ફસાયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા ક્રેનની મદદ લઈ ટ્રકને હટાવી તેમાંથી ત્રણ વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ કર્યું હતું. જોકે, આ ઘટનામાં ચમત્કાર થયો હોય તેમ એક પણ વ્યક્તિને મોટી ઈજા થઈ નથી. વડોદરા જીઆઇડીસી ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહમત બાદ ત્રણ વ્યક્તિ કે જેઓ કારમાં ફસાયેલ હતાં, જેમાથી અજયભાઈ, સંદીપભાઈ, તુષારભાઈ નામના વ્યકિતને સામન્ય ઈજાઓ પહોંચી છે. આ અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિકજામને હળવો કરવાની કામગીરી મોડી રાત સુધી કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. આ અંગે કપુરાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




Reporter: admin