News Portal...

Breaking News :

વાઘોડિયાના અંબાલી ગામમાં ખેડૂત પરિવારના ચાર સભ્યોને વીજકરંટ લાગતા હાહાકાર : એક યુવકનું કરન્ટ થી મોત

2025-05-12 21:35:13
વાઘોડિયાના અંબાલી ગામમાં ખેડૂત પરિવારના ચાર સભ્યોને વીજકરંટ લાગતા હાહાકાર : એક યુવકનું કરન્ટ થી મોત




વડોદરા:  જિલ્લાના વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં મહેનતકશ ખેડૂત પરિવારના ચાર સભ્યોને વીજકરંટ લાગતા હાહાકાર મચી ગયો હતો. બે દિવસ પહેલા ભારે પવનના કારણએ ઘરના પતરા ઉડી ગયા હોય યુવક પતરા સરખા કરવા ચડ્યો હતો. ત્યારે જ કોઈ કારણોસર વીજકરંટ લાગતા ચોટી ગયો હતો. તેને બચાવવા ગયેલા પરિવારના ત્રણ લોકોને પણ વીજકરંટ લાગતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળેલી માહિતી પ્રમાણે વાઘોડિયા તાલુકાના અંબાલી ગામમાં ઉંડા ફળિયામાં મહેનતકશ ખેડૂત પરિવાર રહે છે. આગામી ચોમાસાને ધ્યાનમાં લઇને પરિવારનો 20 વર્ષનો વનરાજ પ્રવિણભાઇ પરમાર મકાન ઉપરના પતરાં ઠીક કરવા માટે ચઢ્યો હતો. દરમિયાન ઘરનો સર્વિસ વાયર બ્રેક હોઇ વીજ કરંટ લાગ્યો હતો. પતરાં સાથે ચોંટી ગયેલા વનરાજને બચાવવા માટે પિતા પ્રવિણભાઇ, કાકા પ્રકાશભાઇ પરમાર અને દાદી તારાબેન ચંદ્રસિંહ પરમાર બચાવવા જતાં તેઓને પણ કરંટ લાગ્યો હતો.



એકજ પરિવારના ચાર સભ્યોને કરંટ લાગતાં ફળિયાના લોકો દોડી આવ્યા હતા અને તમામને વાઘોડિયા સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તબીબોએ વનરાજ પરમારને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં 56 વર્ષિય દાદી તારાબેન ચંદ્રસિંહ પરમારની હાલત ગંભીર હોઇ, ICUમાં છે.



ખોબલા જેવડા અંબાલી ગામમાં બનેલી આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં તુરતજ પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. તે સાથે આ બનાવની જાણ MGVCLના વાઘોડિયા સબ સ્ટેશનને થતાં, તુરતજ ટીમ દોડી ગઇ હતી અને વીજ પુરવઠો બંધ કરી કામગીરી હાથ ધરી હતી. અંબાલી ગામમાં ચકચાર જગાવી મૂકનાર આ ઘટના અંગે વાઘોડિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Reporter: admin

Related Post