કોટા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં ચાર મજૂરો કાટમાળ નીચે દટાયા હતા, જેમાંથી એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી મુજબ, દુર્ઘટના સમયે ટનલમાં 12 જેટલા મજૂરો કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક કોટાના રામંજમંડીના મોડક વિસ્તારમાં બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ તૂટી પડ્યો. આ ઘટના બાદ નાસભાગ મચી હતી.
આ દરમિયાન 4 મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. ટનલમાં રહેલા મજૂરોએ કાટમાળ હટાવ્યો અને ચારેયને બહાર કાઢ્યા. પરંતુ ત્યાં સુધીમાં એક મજૂરનું મોત થઈ ગયું હતું અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેમને સ્થાનિક પ્રશાસનની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મોડક પોલીસ સ્ટેશનના અધિકારી યોગેશ કુમાર શર્માએ જણાવ્યું કે તેમને માહિતી મળતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા. આ ટનલનું નિર્માણ દિલીપ બિલ્ડકોન કંપની કરી રહી છે. અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના અધિકારીઓ ગભરાયા ગયા હતા અને તેઓ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બીજી તરફ ઈજાગ્રસ્ત મજૂર મોનુએ આરોપ લગાવ્યો હતો કે કામ દરમિયાન તેને યોગ્ય સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હતા. જોકે, હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પરંતુ તેઓએ સેફ્ટી ઓડિટ શરૂ કરી દીધું છે.
Reporter: admin