પુરાવો હોય તો રજૂ કરો અને ના હોય તો માફી પત્ર લખો, નહીંતર બદનક્ષીનો દાવો કરીશ : ડૉ.વિજય શાહ...
ચોક્કસ હેતુ પાર પાડવા માટે, રાજકારણીઓને ચકરાવે ચડાવનાર ભેજાબાજ યજ્ઞેશ શાસ્ત્રીને પૂર્વ શહેર પ્રમુખ ડૉ.વિજય શાહે લીગલ નોટિસ ફટકારી..
અન્ય નેતાઓ કે જેઓ શાસ્ત્રીજી પેટ્રોલ પંપમાં ભાગીદાર નથી છતા ચોક્કસ હેતુ પાર પાડવા માટે,અરજીમાં બદ્ઈરાદા સાથે ઘસીટવામાં આવ્યા હોય તેઓ પણ ભેજાબાજ ટોળકીને લીગલ નોટિસ મોકલાવી શકે છે....
વડોદરાનાં પેટ્રોલ પંપ માલિકે મુખ્યમંત્રીને પત્ર લખી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ ડો.વિજય શાહ તથા ડે મેયર ચિરાગ બારોટ સહિતનાં કેટલાક હોદ્દેદાર સામે પેટ્રોલ પંપ પડાવી લીધો હોવાનો આરોપ લગાવતા શહેરના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે શહેર ભાજપા પૂર્વ પ્રમુખ ડો.વિજય શાહે આરોપ લગાવનારા યજ્ઞેશ જયેશકુમાર શાસ્ત્રીને લીગલ નોટિસ ફટકારી છે. ડો.વિજય શાહે આપેલી લીગલ નોટિસમાં તેમણે જણાવ્યું છે કે હું વ્યવસાયે ડોક્ટર છું અને કેટલીક સામાજીક તથા ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. 2020થી 2025 સુધી ભાજપના વડોદરા શહેર પ્રમુખ તરીકે પણ તે જવાબદારી સંભાળતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન તેમની કાર્યક્ષમતા અને નૈતિક્તાની સાથે આજ દિન સુધી તેમની કોઇ પણ કાર્યપદ્ધતિ માટે કોઇપણ વ્યક્તિએ તેમની સામે આંગળી ચીંધી હોય કે આંગળી ઉઠાવી હોય કે તેમની પર કોઇ આરોપ કર્યો હોય તેવું બન્યું નથી. થોડા સમય પહેલા યજ્ઞેશ જયેશકુમાર શાસ્ત્રી તેમને મળ્યા હતા અને પોતાની જાતને ભાજપના કાર્યકર તરીકેની ઓળખાણ આપી હતી જેથી તેમણે તેમને વોર્ડમાં સક્રીય રહેવા સમજ કરી હતી. ત્યારબાદ યજ્ઞેશ શાસ્ત્રીએ ડૉ.વિજય શાહનો સંપર્ક કર્યો હતો અને તમારી અને તમારા બીજા ભાગીદારો વચ્ચે કોઇ પેટ્રોલ પંપ માટે કોઇ તકરાર ચાલતી હોય તેમને વચ્ચે રહી તે તકરારનું નિરાકરણ લાવવા વિનંતી કરેલી પણ તે સમયે તેઓ વડોદરામાં ન હતા.
પણ વડોદરા આવ્યા બાદ તેમણે યજ્ઞેશ શાસ્ત્રી અને તેમના સસરા તથા સાળાની હાજરીમાં એક કેફેમાં મળ્યા હતા અને જ્યાં તમને નમ્રતાથી તમે અને તમારા ભાગીદારો વચ્ચેની તકરાર ઝઘડાનું શાંતિથી નિરાકરણ કરવા સલાહ આપી હતી. અને તેમ પણ જણાવ્યું હતું કે જો આ તમારી તકરારમાં નિવારણ લાવવા માટે મારી કોઇ જરુર હશે તો હું મદદ કરીશ.ડો. વિજય શાહે નોટિસમાં જણાવ્યું છે કે હાલ દૈનિક પત્રોમાં તથા બીજી ઇતર રીતે સમાચાર ફરતા મને જાણ થયેલી કે યજ્ઞેશ શાસ્ત્રીએ કેટલીક વ્યક્તિઓ સામે ગૃહ મંત્રી તથા બીજા અધિકારીને અરજી કરેલી છે જેમાં યજ્ઞેશ શાસ્ત્રીએ વિના કારણે કે કોઇ રાજકીય દબાણના કારણે મારા નામનો ઉલ્લેખ કરેલો છે જે તદ્દન ખોટુ ગેરકાયદેસર અને તેમની રાજકીય કારકિર્દીને નુકશાન કરવાના કાવતરાના ભાગરુપે છે. જેથી આ નોટિસ આપીને તમને જણાવીએ છીએ કે સમાચાર માધ્યમથી કે અન્ય માધ્યમથી તમે અમારી સામે કરેલા ખોટા અને પાયાવિહોણા આરોપો અંગેનો જો તમારી પાસે કોઇ પુરાવો હોય તો તે સચોટ પુરાવો અમને આ નોટિસ મળ્યેથી મોકલી આપશો અને જો આવો કોઇ પુરાવો તમારી પાસે ન હોય તો ત્રણ દિવસમાં અમારી સામે તમે કરેલા ખોટા આરોપો વાળી અરજી પરત ખેંચી અમારી માફી માગતો પત્ર અમને મોકલી આપવો તેમજ તમે અમારી સામે કરેલા ખોટા આક્ષેપોવાળી અરજીના કામે પણ તે માફી પત્ર રજૂ કરવો,તેવુંનોટિસમાં ડો.વિજય શાહે જણાવ્યું છે. હાલ તમને એ જણાવવું અસ્થાને નથી કે ઉપરોક્ત પુરાવા કે માફી પત્ર રજુ કરવામાં તમે ચુક કરશો અથવા ઉપરોક્ત આક્ષેપો બાબતના પુરાવા કે તે બદલનું માફી પત્ર જો તમે રજુ નહી કરો તો તમે અમારી જે બદનક્ષી કરી છે તે માટે અમે કાયદાકીય રાહે તમારી સામે ન્યાયીક અદાલતમાં કાર્યવાહી કરીશું , તે નક્કી સમજશો. જે બાબતની તાકીદ તમને આ નોટિસ આપી અમારા તરફથી કરવામાં આવે છે જેની પણ ગંભીર નોંધ લેશો.
Reporter: admin







