વડોદરા: શહેર નજીકની એક ખાનગી પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિકો સાથે મારામારી કરી છે.
વાઘોડિયા નિમેટા રોડની સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા 7 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ નિમેટા રોડ ઉપર મોડી રાત્રે આડશ મૂકીને ભારે આતંક મચાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગરબા જોઈને પરત ફરતાં ગ્રામજનો ઉપર તેમણે હુમલો કરી વાહનોની તોડફોડ કરી હતી. વિદેશી વિદ્યાર્થીઓએ યુવતીઓને પણ નિશાન બનાવી હતી. આ ઘટનામાં આઠથી વધુ ગ્રામજનોને નાની મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે વાઘોડિયા પોલીસ સ્ટેશનના પી.આઇ. પી. આર. જાડેજાએ જણાવ્યું હતું કે, આ બનાવ અંગે બંને પક્ષે સમાધાન થઇ ગયું છે. ફરિયાદ નોંધાઇ નથી.
વાઘોડિયા પંથકમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે કુમેઠા ગામના રહેવાસી ગિરીશ ચૌહાણે જણાવ્યું હતું કે, નિમેટા પાસે આવેલી એક સોસાયટીમાં ભાડેથી રહેતા અને વાઘોડિયા વિસ્તારની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 6થી 7વિદ્યાર્થીઓએ રાત્રે નિમેટા સિકોતર માતાના મંદિર પાસે રસ્તા ઉપર આડશ મૂકીને ગરબા જોઈને પરત ફરી રહેલા ગામના યુવાનો અને યુવતીઓને રોકીને હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત આ વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા કાર સહિતનાં વાહનોની તોડફોડ કરવામાં આવી હતી અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવતા આઠ જેટલા યુવાનોને ઇજા પહોંચી હતી. વિદેશી વિદ્યાર્થીઓ નશામાં હોવાનોઆક્ષેપ કર્યો હતો.મોડી રાત્રે બનેલી આ ઘટના અંગે વાઘોડિયા પોલીસ મથકના પી. આઇ. પી. આર. જાડેજાએ જણાવ્યું હતું કે, પારૂલ યુનિવર્સિટીમાં મેડિકલ અને એન્જિ.માં અભ્યાસ કરતા અને નિમેટા પાસેની સોસાયટીમાં ભાડે રહેતા 7 જેટલા વિદ્યાર્થીઓ અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. દરમિયાન ત્યાંથી 7 થી 8 જેટલા ગ્રામજનો પસાર થઇ રહ્યા હતા. તે સમયે વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને પોલીસ મથકમાં લઇ આવી હતી. આ બનાવમાં બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં એક પણ પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આથી આ બનાવમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.
Reporter: admin