વડોદરા : પાદરા તાલુકાના મુજપુર- ગંભીરા બ્રિજ તુટી પડવાની ગોઝારી દુર્ઘટનાનો આજે 24મો દિવસ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યાં છે.

ત્યારે ગત તા. 9 જૂલાઇથી બ્રિજ પર લટકી રહેલી ટેન્કર સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ આ ટેન્કર આટલા લાંબા સમયથી આજ પરિસ્થિતિમાં લટકી રહીં હોવાથી સરકાર અને તંત્રને સતત ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેન્કર વહેલી તકે બ્રિજ પરથી હટાવવા અધિકારીઓને કડક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આજરોજ વહેલી સવારથી ટીમ ટેન્કર હટાવવા માટે કામે લાગી છે.ગત તા. 9 જૂલાઇની વહેલી સવારે મુજપુર-ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડતા 20 નિર્દોષોના મૃતદહે બહાર કાઢવામાં આવ્યાં હતા. જ્યારે હજી સુધી નરસિંહપુરા ગામમાં રહેતા વિક્રમસિંહ પઢીયારનો હજી કોઇ પત્તો મળ્યો નથી. બીજી તરફ બ્રિજ પર લટકી રહેલી ટેન્કર હવે સરકાર અને તંત્ર માટે માથાનો દુખાવો બની બેઠી હોય તેવું લાગી રહ્યું છે.
કારણ કે, બ્રિજ પર લટકી રહેલી ટેન્કર છેલ્લા 23 દિવસથી એક જ સ્થિતિમાં લટકી રહીં હોય અને તેને હટાવવામાં ન આવતા લોકો તંત્ર અને સરકારની ટીકા કરી રહ્યાં છે.છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી સતત આ મામલે સમાચાર પ્રસિદ્ધિ કરી સરકારનું ધ્યાન દોરી રહીં છે. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક સુચના બાદ ગત રાતથી બ્રિજના આણંદ તરફના છેડે તમામ જરૂરી મશીનરી લાવી દેવામાં આવી છે. આ સાથે વહેલી સવારથી નિષ્ણાતોની ટીમ સ્થળ પર પહોંચી નિરિક્ષણ કરી રહીં છે કે, કોઇ પણ પ્રકારના નુકશાન વિના આ ટેન્કરને કંઇ રીતે હટાવવામાં આવે.ત્યારે તમને જણાવી દઇએ કે, 10થી વધુ નિષ્ણાતોની ટીમ બ્રિજ પર લટકી રહેલા ટેન્કરને હટાવવા માટે તમામ જરૂરી સેફટી સાધનો સાથે પહોંચી છે.
Reporter: admin







