વડોદરા : ૧૮મી ઓગષ્ટે સ્વ.ભાનુબેન આઝાદ આગેવાની નીચે ભાઈ બહેનોનું સરઘસ નિયત સમયે કોઠીપોળ માંથી નીકળવા તૈયાર થયું તે જ સમયે પોળની બહાર ન આવી શકે અને લોકો ગભરાઈને છુટા પડી જાય એ જાતનું વાતાવરણમાં પો.કમિશનર એડવીનોએ પોતાનો ઘોડો પોળ સામે લાવીને ઉભો રાખ્યો અને બંદૂકોવાળી પોલીસ પાસે બોલાવી લીધી.
પરંતુ સરઘસ જરાપણ ડર્યા કે ગભરાયા સિવાય આગળ વધ્યું. સરઘસ આગળ વધતાની સાથે જ કમિશનરે લાઠીમાર શરુ કર્યો. તે જ સમયે ભાનુબહેન આઝાદે કમિશનરના ઘોડાની લગામ ખેંચી અને ખેંચતાની સાથે જ કમિશનરે ગોળીબારનો હુકમ કર્યો. બીજી બાજુ જનતાએ પણ પોતાનો લડાયક મિજાજ બતાવવા પથ્થર મારો શરૂ કર્યો. જોતજોતામાં રાવપુરા એક ક્રાંતિનું લડાયક મેદાન બની ગયું. આ સમયે સોમાભાઈ બેચરભાઈ પંચાલ અને ભગવાનદાસ ગોપાલદાસ રાણા નામના બે યુવાનો ગોળીઓનો ભોગ બન્યા અને શહીદ થયા હતા.
૧૯૪૨ની ૧૮મી ઓગષ્ટના આ બનાવના દિવસે શહીદ થયેલા શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી.ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા પ્રતિ વર્ષ ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા ના પ્રથમ નાગરિક પિંકી સોની, વિપક્ષ ના નેતા અમીબેન રાવત, પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin