દિલ્હી : અમેરિકાથી 119 ગેરકાયદે વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સાંભળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓપર ત્રાટકવાનું શરૂ કર્યુ છે.
ગેરકાયદે વસાહતીઓને વીણીવીણીને તેમના દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. તેમા ભારતના પણ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લેન આજે રાત્રે દસ વાગે અમૃતસરમાં ઉતરાણ કરી શકે છે. અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદે વસાહતીઓમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી, ઉત્તરપ્રદેશના 3, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ- કાશ્મીરના એક-એકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજું પ્લેન 16મી ફેબ્રુઆરીએ લેન્ડ થઈ શકે છે.આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે 104 ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. તેમા ગુજરાત અને હરિયાણાના 33-33 અને પંજાબના 30 હતા.
પંજાબ અને બીજા કેટલાય રાજ્યના લોકો ડંકી રુટે અમેરિકામાં ઘૂસ્યા હતા. પંજાબમાં આ રીતે પ્લેન ઉતારવા સામે કેટલાય રાજકીય પક્ષોએ તેની સામે સવાલ ઉઠાવ્યા છે. પંજાબના નાણાપ્રધાન હરપાલસિંહ ચીમાએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર પંજાબને બદનામ કરવા માંગે છે. પંજાબે જો કે ગેરકાયદેસરની માનવ તસ્કરીના કાંડને પકડવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ રચી છે. તેમા ડિપોર્ટીઓના નિવેદનોના આધારે દસ જેટલા બનાવટી ઇમિગ્રન્ટ કન્સલ્ટન્ટોની સામે એફઆઇઆર નોંધવામાં આવી છે.ભારત આવવા 119 ગેરકાયદે વસાહતીઓને લઈને ઉપડેલી ફ્લાઇટ્સે પનામામાં રોકાણ કર્યુ હતું. પનામામાં કોઈ બીજા દેશના ગેરકાયદે વસાહતીઓને લઈને ઉતરેલી આ પ્રથમ ફ્લાઇટ હતી. પનામાએ અમેરિકાને ગેરકાયદે વસાહતીઓને મોકલવા માટે સ્ટોપઓવર તરીકેની ઓફર કરી હતી. તેમા ભારત આવનારી ફ્લાઇટ સૌપ્રથમ હતી.
Reporter: admin







