વડોદરાના ફતેહગંજ બુલ સર્કલ જેવા વ્યસ્ત વિસ્તારમાં ગટર લાઈનમાંથી અચાનક આગ ફાટી નીકળવાની ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આ ઘટનાએ માત્ર જાનમાલને જ નહીં, પરંતુ જાહેર સલામતી પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે.ફતેહગંજ સર્કલ પાસે, જ્યાં સામાન્ય રીતે ભારે વાહનો અને લોકોની અવરજવર હોય છે, ત્યાં અચાનક ગટરના ઢાંકણ (મેનહોલ) માંથી આગની ઉંચી જ્વાળાઓ નીકળવા લાગી હતી.આગ શરૂ થતાં જ આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને સલામતી માટે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જોતજોતામાં આગ એટલી હદે બેકાબૂ બની ગઈ કે તેને કાબૂમાં લેવા માટે તાત્કાલિક દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમને બોલાવવી પડી હતી.

ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી, તે જ સમયે ગટર લાઈનની અંદર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે તેનાથી ફાયર ફાઇટર્સની કામગીરીમાં પણ મુશ્કેલી આવી હતી અને એક સમયે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગટર લાઈનોમાં જમા થતા જ્વલનશીલ ગેસનું નિયમિત નિરીક્ષણ અને વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે.આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવા જોઈએ.

Reporter: admin







