News Portal...

Breaking News :

સ્મશાનમાં પહેલા ખાનગીકરણ હવે અટપટીકરણ

2025-10-07 10:21:00
સ્મશાનમાં પહેલા ખાનગીકરણ હવે અટપટીકરણ


સ્મશાનની અટપટી ડીજીટલ માયાજાળ:
પાલિકાની બુદ્ધિજીવીઓની ટોળકી ઉલટી દિશામાં જઈ રહી છે 
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સ્મશાનમાં મડદા પણ ઊભા થઈ જાય એવી પાલિકાની અટપટી ડિજિટલ બુકિંગ પદ્ધતિ 
બુદ્ધિજીવીઓનું બુદ્ધિ વગરનું પ્રદર્શન 
ખાનગીકરણ પછી ફરી સ્મશાન વિભાગમાં વિવાદ, હવે પાલિકાની ડિજિટલ વ્યવસ્થા કેટલો સફળ પ્રયોગ સાબિત થશે?
વડોદરા મહાનગરપાલિકા હવે સ્મશાનોમાં ઓનલાઈન નોંધણી અને બુકિંગ સિસ્ટમ લાવશે



32 સ્મશાનોની વ્યવસ્થા સંસ્થાઓને સોંપાયા બાદ અનેક વિવાદો વચ્ચે હવે ટેક્નોલોજી આધારિત નવું ગતકડું ઊભું થયું
વડોદરા શહેરમાં મહાનગરપાલિકાના હસ્તક આવતાં 32 સ્મશાનોનું ખાનગીકરણ કર્યા બાદ સતત વિવાદો સામે આવ્યા છે. પાલિકાએ અંતિમવિધિની વ્યવસ્થા વિવિધ સંસ્થાઓને સોંપી હોવા છતાં અનેક જગ્યાએ સુવિધાનો અભાવ, સફાઈનો અભાવ, અગ્નિદાહની વ્યવસ્થામાં ખામી, તેમજ કર્મચારીઓની બેદરકારી જેવા મુદ્દાઓ પ્રકાશમાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા સ્મશાનોમાં ડિજિટલાઇઝેશનનો પ્રયોગ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.પાલિકાએ સ્મશાનોમાં ઓનલાઈન નોંધણી અને બુકિંગ સિસ્ટમ લાવવાનો નિર્ણય લીધો છે. આ નવી વ્યવસ્થાથી કોઈ વ્યક્તિના અવસાન બાદ તેના અંતિમવિધિ માટેની પ્રક્રિયા હવે ડિજિટલના માધ્યમથી થઈ શકશે. પાલિકાની આરોગ્ય શાખા દ્વારા જણાવાયું છે કે આ સિસ્ટમ વડોદરા શહેરના તમામ સ્મશાનોમાં તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે.સોમવારે પાલિકાની વડી કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી, જેમાં તમામ ઇજારદારો અને સંસ્થાઓનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 


અધિકારીઓએ ઓનલાઈન સિસ્ટમ અંગે વિગતવાર માહિતી આપી હતી — જેમાં ચિતાનું રજીસ્ટ્રેશન, સમય નિર્ધારણ, દસ્તાવેજોની ચકાસણી જેવી બાબતો ઓનલાઈન  કેવી રીતે હાથ ધરવી તે સમજાવવામાં આવ્યું હતું.જોકે, સ્મશાનોની હાલની સ્થિતિને જોતા નાગરિકો અને સામાજિક કાર્યકરોમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે, જ્યારે સ્મશાનોમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે અગ્નિદાહ માટેની સુવિધા, અસ્થિ સાચવવાની જગ્યા, પીવાનું પાણી, અથવા સફાઈની વ્યવસ્થા યોગ્ય રીતે નથી, ત્યારે ડિજિટલ સિસ્ટમ કેટલું સફળ થઈ શકશે તે મોટો પ્રશ્ન છે.પાલિકાએ જણાવ્યું છે કે પ્રારંભિક તબક્કામાં કેટલાક સ્મશાનોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ સેવા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અનુભવના આધારે સમગ્ર શહેરના સ્મશાનોમાં તેને અમલી બનાવવામાં આવશે.ખાસવાડી સ્મશાન સંચાલિત કરતી માધુરી એજ્યુકેશન ટ્રસ્ટના સેવાદાર નિખિલ ખારવાએ જણાવ્યું હતું કે, “ડિજિટલ સિસ્ટમ સમયની જરૂરિયાત છે, પરંતુ સાથે સાથે સ્મશાનોમાં પ્રાથમિક સુવિધાઓ સુચારુ રીતે ઉપલબ્ધ કરાવવી પણ તંત્રની પ્રથમ જવાબદારી છે.”વડોદરા મહાનગરપાલિકાનો આ નવો પ્રયાસ આધુનિકતાની દિશામાં એક પગલું ગણાય છે, પરંતુ તે ખરેખર નાગરિકોને સુવિધા આપશે કે ફક્ત કાગળ પરનું ડિજિટલ ગતકડું સાબિત થાય તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

Reporter:

Related Post