News Portal...

Breaking News :

ફાયર સાધન કૌભાંડ: સસ્પેન્શન બાદ પણ કાર્યવાહી અટકી.

2025-12-05 12:23:56
ફાયર સાધન કૌભાંડ: સસ્પેન્શન બાદ પણ કાર્યવાહી અટકી.


કોર્પોરેશનમાં પોલમપોલ: ભ્રષ્ટાચારીઓ સામે FIR નહીં..


દિલીપ રાણા યુગના કૌભાંડોનો ભાર હવે હાલના કમિશનર પર...
ફાયર વિભાગના સાધનોમાં થયેલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કડક કાર્યવાહી હાથ ધરાઈ નથી. કોર્પોરેશનમાં દરેક જગ્યાએ ‘પોલમપોલ’ ચાલતી હોવાનો આક્ષેપ ફરીથી ઉછળ્યો છે. નવા ચીફ ફાયર ઓફિસરની ભરતી પણ નિયમો વિરુદ્ધ કરવામાં આવી હતી. મનોજ પાટિલે ચાર્જ સંભાળ્યા બાદ ફાયરનાં સાધનોની ખરીદીમાં કૌભાંડ આચર્યું હતું, જેમાં ઊંચા દરે ખરીદી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દે વિગતવાર અહેવાલ રજૂ કર્યા બાદ ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને દેવેશ પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છતાંય, તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. વધુ રકમથી કરાયેલી ખરીદીની રિકવરી કોણ કરશે? કોન્ટ્રાક્ટરને હજુ સુધી બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો નથી અને પોલીસ ફરિયાદ કેમ દાખલ કરાઈ નથી — તે મોટા પ્રશ્નો ઊભા થયા છે. પાલિકામાં ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે, પરંતુ આ તપાસ કેટલો સમય ચાલશે, રિપોર્ટ ક્યારે આવશે અને કડક પગલાં ક્યારે લેવાશે તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. અમારી જાણ મુજબ જે ખરીદી કૌભાંડ થયું છે તે સામાન જે તે ફાયર સ્ટેશનમાં છે હજુ સુધી કબ્જે લેવામાં આવ્યો નથી


કોર્પોરેશન માત્ર નામપુરતી કાર્યવાહીથી પ્રજાનો રોષ ઠંડો પાડે છે....
કોર્પોરેશનમાં કોઈ કૌભાંડ બહાર આવે અથવા તંત્રની બેદરકારી સામે આવે ત્યારે માત્ર નામપુરતી કાર્યવાહી કરવામાં આવે છે. આવી અનેક ઘટનાઓ દાખલા તરીકે સમક્ષ છે. ફાયર કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરીને જ કામ પૂરું માનવામાં આવ્યું છે. અતાપી પ્રોજેક્ટ હોય કે ફતેગંજ–નિઝામપુરામાં પાણી વાલ્વ બંધ કરનારા સામે પણ કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. અતાપીની ફાઇલ ગુમ થવા છતાં માત્ર અરજી આપીને મામલો દબાવવાનો પ્રયાસ થયો છે. આશ્ચર્ય એ છે કે આટલો ગંભીર મુદ્દો હોવા છતાં તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી નથી અને જવાબદાર અધિકારીઓને હજુ સુધી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા નથી. 150 ફાઇલો કે વધુ ફાઇલો ગુમ છે તે અંગે પણ સ્પષ્ટતા નથી. પાલિકાએ અત્યાર સુધી વિજિલન્સ વિભાગને સક્રિય ન કરવાનું કારણ પણ લોકોમાં સવાલો ઊભા કરે છે



દિલીપ રાણાના સમયમાં થયેલા કૌભાંડોનો ભાર હવે બાબુજી પર


પૂર્વ કમિશનર દિલીપ રાણાના સમયમાં અનેક કૌભાંડો થયા છે અને હવે તેને સમેટવાની જવાબદારી હાલના કમિશનર બાબુજી પર આવી પડી છે. વિસ્વામિત્રી પ્રોજેક્ટ હોય, ફાયર સાધનોની ખરીદી હોય, ચીફ ફાયર ઓફિસરની ગેરકાનૂની ભરતી હોય, અતાપીની ફાઇલ ગુમ થવાનો મુદ્દો હોય અથવા શહેરમાં કોન્ટ્રાક્ટરોના કારણે ઊભા થતા ખાડાના પ્રશ્નો — આ તમામ માટે હાલના કમિશનરને જવાબ આપવો પડે છે. દિલીપ રાણા ના સમયમાં કોન્ટ્રાક્ટરોએ ભારે ભ્રષ્ટાચાર આચર્યો હોવા છતાં તેમની સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી.




કોર્પોરેશનના શાસકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને બચાવે છે?


જે કૌભાંડોનો પર્દાફાશ મીડિયા કરે છે તેમાં કોર્પોરેશન તરત જ માત્ર દેખાવ માટેની કાર્યવાહી જાહેર કરે છે અને કહે છે કે કોઈ ‘ચમરબંઘી' ને છોડવામાં નહીં આવે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવા લોકો છુટી જ જાય છે અને તેમના સામે વાસ્તવિક પૂછપરછ થતી નથી. મોટા ભાગે માત્ર સસ્પેન્શન થાય છે, પરંતુ આગળની કાર્યવાહી કે પોલીસ ફરિયાદ થતી નથી. આથી કોર્પોરેશનના શાસકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓને બચાવવાનો જ કારસો રચે છે,

Reporter: admin

Related Post