નવી દિલ્હી : લોકસભા 2024ની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે 8 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ 13, હિમાચલ પ્રદેશની 4, ઉત્તર પ્રદેશની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6 અને ઝારખંડની 3 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, 'મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય. આ આપણી ફરજ છે. એવી સરકાર લાવવી જોઈએ જે લોકો માટે કામ કરી શકે. હું હું બિલકુલ વીઆઈપી નથી, વીઆઈપી કલ્ચરનો અંત આવવો જોઈએ જો કોઈ લંગર માટે કતારમાં ઊભો રહી શકે તો તે અહીં પણ ઊભો રહી શકે છે.'
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, 'આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં 13 બેઠકો સહિત 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે. ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.'
ઓડિશાની બાકીની 42 બેઠકોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરુ થયું છે. તેની સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અને સિક્કીમની વિધાનસભા ચૂંટણી પણ થયું છે. આજે અનુરાગ ઠાકુર, કંગના રણૌત, લાલુપુત્રી મિસા ભારતી, મમતાના ભત્રીજા અભિષેકનું ભાવિ પણ સીલ થશે. આજે 5.24 કરોડ પુરુષ અને 4.82 કરોડ મહિલા મતદાન કરાશે.
Reporter: News Plus