જામનગર : શહેરના બેડી વિસ્તારમાં બુધવારે રાત્રે બે પરિવારના જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી અને સામસામે પથ્થરમારા સહિતના હુમલા થયા હતા.
જે બનાવ સંદર્ભે સ્થાનિકોએ પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. જે વીડિયો સતત વાઇરલ થઈ રહ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે બંને પક્ષની સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે, જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.જામનગરના બેડી વિસ્તારમાં ઈદ મસ્જિદ રોડ પર બુધવારે રાત્રે બે પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. અસલમ અબ્દુલભાઈ ઘુમરા નામના ખત્રી યુવાનના પરિવાર તેમજ આમદ કાદરભાઈ માણેક નામના વાઘેર યુવાનના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. સામાન્ય માથાકૂટથી શરૂ થયેલો ઝઘડો સામસામે પથ્થરમારા સુધી પહોંચી જતાં મામલો બિચક્યો હતો.
આ દરમિયાન સ્થાનિકોએ આ ઘટનાનો વીડીયો ઉતારી લીધો હતો, જે આજે દિવસભર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આખરે આ મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો, અને બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં અસલમ અબ્દુલભાઈએ પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ સમીર અને પોતાની માતા ઉપર હુમલો કરવા અંગે મુસ્તાક હારુન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારુન માણેક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમીરે આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હોવાથી આ મામલે બંને પરિવારો વચ્ચે ઝઘડો અને મારામારી થઈ હતી.
Reporter: admin







