વડોદરા: સેન્ટ્રલ જેલમાં મર્ડર કેસના બે કેદીઓ વચ્ચે ૨૪ દિવસ પહેલા થયેલી બોલાચાલીની અદાવત રાખી એક કેદીએ બીજા કેદીના માથામાં પતરુ મારી ડોક અને જમણી કાનની ઇજા પહોંચાડી હતી.
બે કેદીઓ વચ્ચે મારામારી થતા જેલ સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સુરેન્દ્રનગરના અજરામર ટાવર રોડ પર રહેતા યાસીન ઉર્ફે દૂધી હારુનભાઇ ઘાંચીને સુરેન્દ્રનગર જિલ્લાના મર્ડર કેસમાં આજીવન કેદની સજા થઇ હતી. વડોદરા જેલમાં સજા ભોગવતા કેદી યાસીને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૨ મી ઓગસ્ટે હું હાઇ સિક્યુરિટી યાર્ડમાં બંદી હતો. ત્યાંથી ઇ - મુલાકાત માટે સર્કલ રુમમાં ગયો હતો. ત્યાં હાજર કાચા કામના કેદી વિશાલ જેલના સિપાઇ અરુણભાઇ સાથે બોલાચાલી કરતો હતો. જેથી, હું વિશાલને સમજાવવા જતા અમારી વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી.
ત્યારબાદ અમારા વચ્ચે અંદરોઅંદર સમાધાન થઇ ગયું હતું. ગઇકાલે બપોરે સવા ચાર વાગ્યે યાર્ડ - ૯ માં ભાજીનું ગાડું આવતા હું ભાજી લેવા ગયો હતો. તે દરમિયાન વિશાલ અચાનક દોડી આવી મારા ડોકના ભાગે તથા જમણા કાનની નીચે પતરુ મારી દીધું હતું. તે મને ફરીથી મારવા જતા મેં તેના હાથમાંથી પતરુ છીનવી લઇને દોડી ગયો હતો. મને ડાબા હાથની આંગળી પર ઇજા થઇ હતી. જેલના સિપાઇઓએ મને પકડી જેલ દવાખાનામાં સારવાર કરાવી હતી.ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. મને ડોક પર ચાર ટાંકા આવ્યા હતા.કેદી વિશાલની સામે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો. તેનો કેસ હજી પેન્ડિંગ છે. જેલના નિયમો તોડવા બદલ તેની સામે પાંચ ખટલા ચાલ્યા છે.તે અમદાવાદ જેલમાંથી ટ્રાન્સફર થઇને વડોદરા આવ્યો હતો.જ્યારે આરોપી યાસીન ઉર્ફે દૂધી સામે સુરેન્દ્રનગર જિલ્લામાં મર્ડરનો ગુનો નોંધાયો હતો. જેમાં તેને આજીવન કેદ થઇ હતી. તે સુરત જેલમાંથી ટ્રાન્સફર થઇને આવ્યો હતો. તેની સામે ૩૧ ખટલા થયા હતા.
Reporter: admin







