બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ બનાસકાંઠામાં જોડાવાનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે.
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. એટલું જ નહીં, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા- કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.
શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓની માંગણી છે કે તેઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે.
Reporter: admin