નવી દિલ્હી : મધ્યપ્રદેશની હાઇકોર્ટે ઠરાવ્યું છે કે લગ્નજીવનને લગતા વિવાદોમાં ફેમિલી કોર્ટ વોટ્સએપ ચેટ્સને પણ પુરાવા તરીકે સ્વીકારી શકે છે, પછી ભલેને આ ચેટ તેના પાર્ટનરની પ્રાઇવસીનો ભંગ કરીને મેળવવામાં આવી હોય. મ.પ્ર.ની હાઇકોર્ટના ન્યાયાધીશ આશિષ શ્રોતીએ પતિને તેની પત્નીના લગ્ન બાહ્ય સંબંધોને સાબિત કરવા વોટ્સએપ ચેટ રજૂ કરવાને મંજૂરી આપતા આ વાત કહી હતી.
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેક્શન-૧૪ રાઇટ ટુ પ્રાઇવસીને કોરાણે મૂકી દેવાને મંજૂરી આપે છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જો પુરાવો પ્રાઇવસીનો ભંગ થયો હોવાના આધારે કોરાણે મૂકવામાં આવ્યો હોય કે બહાર રાખવામાં આવ્યો હોય તે સંજોગોમાં ફેમિલી કોર્ટ એક્ટની સેક્શન ૧૪ની જોગવાઈ બિનજરૂરી થઈ છે.કોર્ટે જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટોએ અહીં તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તેની સ્થાપના અત્યંત સંવેદનશીલ કહી શકાય તેવા વ્યક્તિગત સંબંધોને લઈને થઈ છે. તેમા લગ્નવિચ્છેદ, વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના, બાળકોની અધિકૃતતા, વાલીપણુ, કસ્ટડી, સગીરોનું એક્સેસ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ બધા માનવજીવનને સ્પર્શતા સંવેદનશીલ વિષયો છે.
આ દરેક સંબંધોમાં ઉદભવતા પ્રશ્નો કે વિવાદો ખાનગી અને એકદમ વ્યક્તિગત ધોરણે હોય છે અને તે એકદમ નાજુક બાબતો હોય છે. તેમા ઘણા બધા લાગણીજન્ય જોડાણો સામેલ હોય છે. ફેમિલી કોર્ટ પાસે આવતા મોટાભાગના કોર્ટ કેસમાં જોવા મળ્યું છે કે લગ્ન બાહ્ય સંબંધોમાં મોટાભાગના કેસોમાં પુરાવા માંગવામાં આવે છે. આ સંજોગોમાં ફેમિલી કોર્ટ એક્ટની સેકશન ૧૪ કોર્ટને અધિકાર આપે છે કે કોર્ટને જો યોગ્ય લાગતું હોય કે તેને મળેલા પુરાવા કેસનો નીવેડો લાવવામાં અસરકારક રીતે મદદ કરી શકે છે તો તેને તે પુરાવા તરીકે લઈ શકે છે.
Reporter: admin







