છત્તીસગઢ: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નકલી બ્રાંચ ખોલીને અનેક સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. એસબીઆઈના અધિકારીઓ અને પોલીસ સાથે બ્રાંચમાં રેડ પાડતા નકલી બ્રાંચનો પર્દાફાશ થયો છે.
એસબીઆઈ જેવું જ નવું ફર્નિચર, કેશ કાઉન્ટર અને તેના જેવા જ પેપરવર્ક સાથે ગામડાના લોકોને બેંકમાં એકાઉન્ટ ખોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નકલી બેંકના કર્મચારીઓને પણ છેતરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, તેમને અસલી એસબીઆઈમાં કાયમી નોકરી મળી છે. આ મામલામાં પોલીસે છ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. છત્તીસગઢના સક્તી જિલ્લાના છપોર ગામમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની નવી બ્રાંચ ખોલવામાં આવી હતી. નવી બ્રાંચની કામગીરી નજીકના વિસ્તાર ડાબરાના એસબીઆઈ બેંક મેનેજરને શંકાસ્પદ લાગી હતી.
તેમણે ૨૭ સપ્ટેમ્બરના રોજ એસબીઆઈના અધિકારીઓ અને પોલીસ સાથે બ્રાંચમાં રેડ પાડતા નકલી બ્રાંચનો પર્દાફાશ થયો હતો.આ કૌભાંડમાં સામેલ ત્રણ આરોપીઓને ઓળખ રેખા સાહુ, મંદિર દાસ અને પંકજ તરીકે કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય સુત્રધારે માત્ર નકલી દસ્તાવેજો અને નકલી ટાઈટલ જ નહીં પરંતુ, બેંકના તમામ કર્મચારીઓને બેંકમાં કાયમી નોકરી લાગી છે કહીને ટ્રેનિંગ આપી હતી. તેમની પાસેથી પણ નોકરીના બદલામાં ફી તરીકે રૂપિયા ૨-૬ લાખ પડાવવામાં આવ્યા હતા. એક કર્મચારીએ જણાવ્યું કે, તેની પાસે રૂ. ૫ લાખની માંગ કરવામાં આવી હતી. છેવટે તેણે રૂ. ૨.૫ લાખ આપીને નોકરી સ્વીકારી હતી.
Reporter: admin