News Portal...

Breaking News :

વડોદરા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સિક્કા વાળી નકલી ફાયર એન.ઓ.સી બજારમાં ફરતી થઈ

2025-04-16 10:08:05
વડોદરા ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સહી સિક્કા વાળી નકલી ફાયર એન.ઓ.સી બજારમાં ફરતી થઈ


હવે વડોદરામાં લાગત ભર્યા વગર, મેળવો નકલી ફાયર એનઓસી...
વડોદરામાં નકલી ફાયર એનઓસી મળતી હોવાનો ચોંકાવનારો પર્દાફાશ , ફાયરના અધિકારીઓ અંધારામાં...
છેલ્લા કેટલા વર્ષોથી નકલી ફાયર NOC કૌભાંડ ચાલે છે તે પણ તપાસનો વિષય. પોલીસ ફરિયાદ દાખલ થાય તો જ મૂળ સુધી પહોંચી શકાય. પાલિકાનાં ફાયર વિભાગ સાથે સંકળાયેલા વ્યક્તિ-વચેટીયાની જ ચાલાકી હોઈ શકે... 
છેલ્લા પાંચ વર્ષનો ફાયર એન.ઓ.સીનો રેકોર્ડ ચેક કરી, ફેર તપાસણી કરી, ફોરેન્સિક ઓડિટ કરાવવું જોઈએ.જેથી પાલિકાને કેટલી રકમનું નુકસાન થયું છે તેનો ખુલાસો થઈ શકે....



ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીની ભરમાર છે. ક્યારેક નકલી જજ તરીકે ફેંસલા સંભળાવતો સેમ્યુમ મોરીસ પકડાય છે તો ક્યારેક મયંક તિવારી નકલી પીએમ એડ્વાઇઝર તરીકે અને ક્યારેક કિરણ પટેલ નકલી પીએમઓનો વરિષ્ઠ અધિકારી તરીકે દમ મારતો પકડાય છે. ગુજરાતમાં જેમ નકલી ઘી કે બટર કે ખાવા પીવાની ચીજો પકડાતી રહેતી હતી તેમ હવે અધિકારીઓ પણ નકલી પકડાવા લાગ્યા છે અને ગુજરાતની જનતાને પણ તેની હવે નવાઇ રહી નથી. પણ  આજે અમે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કરવા જઇ રહ્યા છે કે જે જાણીને વડોદરાવાસીઓને નવાઇ લાગશે. તમને જણાવી દઇએ કે હવે વડોદરામાં નકલી ફાયર એનઓસી પણ મળે છે. આવી નકલી ફાયર એનઓસી આજકાલ વડોદરામાં ફરતી થઇ છે અને તેમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની સહી છે અને કોઇ પહેલી નજરે કહી ના શકે કે આ નકલી ફાયર એનઓસી છે. ફાયર બ્રિગેડ દ્વારા શહેરની તમામ ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો અને તેને લઇને કરાયેલા કામોની ચકાસણી અને વિશ્લેષણ કર્યા બાદ ફાયર એનઓસી આપવામાં આવે છે. રાજ્ય સરકારના નિયમો મુજબ હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર એનઓસી લેવી આવશ્યક છે અને તેનો ફાયદો ઉઠાવીને કેટલાક તત્વોએ હવે નકલી ફાયર એનઓસી પણ બનાવીને વેચવાનું શરુ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. એમ પણ હોઇ શકે કે ફાયર વિભાગ સાથે પહેલા સંકળાયેલો કોઇ અધિકારી કે કર્મચારી હોય કે પછી બાંધકામ ખાતા સાથે સંકળાયેલો કોઇ નિવૃત્ત અધિકારી કે કર્મચારી હોય કે નિવૃત્ત ટીડીઓ હોય, તેણે આ પ્રકારની ફાયર એનઓસી બનાવામાં ચાવીરુપ ભૂમિકા ભજવી હશે. બજારમાં આવી ફાયર એનઓસી નકલી છે કે અસલી તે જાણવાની કોઇ તસ્દી લેતું નથી.જો ફાયર બ્રિગેડ ચેકિંગ કરે તો પણ તે આ એનઓસી અસલી છે કે નકલી છે તે કહી શકે તેમ નથી. પણ બજારમાં જે ફાયર એનઓસી ફરતી થઇ છે તેમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફાયર અધિકારી નિકુંજ આઝાદની સહી છે. ખુદ નિકુંજ આઝાદ કહી રહ્યા છે કે આ સહી મારી છે જ નહી. જો ખુદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર કહી રહ્યા હોય તો પુરવાર થઇ જાય છે કે આ નકલી ફાયર ઓએનઓસી છે. કોઇ ચતૂરે વડોદરા ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકાના નામનો દુરપયોગ કરી  કોમ્પ્યુટરમાં જ આ નકલી ફાયર એનઓસી બનાવી દીધી છે. આ નકલી ફાયર એનઓસી મોટુ કૌંભાડ હોઇ શકે છે. કારણ કે આ તો એક નકલી એનઓસી બજારમાં ફરતી થઈ છે. પણ ઘણી બિલ્ડીંગોમાં આ પ્રકારે નકલી ફાયર એનઓસી મેળવી હોઇ શકે છે અને તે માટે વડોદરાના નવા આવેલા કમિશનર અરુણ મહેશ બાબુ તથા મેયર, ડે.મેયર, ચેરમેન તથા શાસક પક્ષના નેતા તથા દંડક આ મામલે ઉંડી તપાસ કરાવે તે જરુરી છે. આ ફાયર એનઓસી નકલી છે કે અસલી.આ મામલે તાત્કાલીક વિજીલન્સ તપાસ કરાવાય અને પોલીસ ફરિયાદ પણ કરાવાય તે જરુરી છે. કોર્પોરેશનના પદાધીકારીઓએ આ મામલે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી જોઇએ. સવાલ એ પણ છે કે શહેરના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર આ મામલે ઉંડી તપાસ કરશે કે કેમ? પૂર્વ કમિશનર રાણાજીના રાજમાં આ કૌંભાડ આચરાયું હતું. રાણાજીના કાર્યકાળમાં અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર આચરાતો હતો અને તેમાં આ નવું કૌંભાડ બહાર આવ્યું છે જેથી નવા કમિશનરે આ મામલાને ગંભીરતાથી લઇને તપાસ કરવાના આદેશ આપવા જરુરી છે. જેમ નકલી ડિગ્રી બજારમાં ફરતી હોય છે તેમ જ આ નકલી ફાયર એનઓસી પણ બજારમાં ફરી રહી છે.  

ફાયર એનઓસીની પ્રક્રિયા સાથે સંકળાયેલા વ્યક્તિનું પરાક્રમ હોવાની શંકા...
નકલી અધિકારીઓ અને કર્મચારીઓ પકડાય છે. તેમ આજે નકલી ફાયર એનઓસીનું કૌંભાડ બહાર આવ્યું છે. પહેલી નજરે કોઇ કહી ના શકે કે આ નકલી ફાયર એનઓસી છે અને તેટલી ચીવટતાથી નકલી ફાયર એનઓસી બનાવાઇ છે અને તેથી શંકા જાય તે સ્વાભાવિક છે. જે વ્યક્તિ ફાયર એનઓસીની સાથે સંકળાયેલો હોય તેને આટલી ઝીણવટભરી માહિતી ખબર હોય અને તે ફાયરનો પૂર્વ કર્મચારી હોઇ શકે, પૂર્વ ચીફ ફાયર ઓફિસર, હોઇ શકે કે પછી કોઈ આર્કીટેક્ટ હોઇ શકે કે ખુદ બિલ્ડર પણ હોઇ શકે અથવા કોર્પોરેશનના બાંધકામ પરવાનગી શાખાનો કોઇ કર્મચારી કે અધિકારી હોઇ શકે. નિવૃત્ત ટીડીઓ પણ હોઇ શકે. કોઇ જુનો અધિકારી પણ હોઇ શકે અને કોઇ વચેટિયો પણ હોઇ શકે. નવા કમિશનર તથા બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલે સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવી જોઇએ. આ કોઇ એવા વ્યક્તિનું પરાક્રમ છે જે ફાયર એનઓસી કઇ રીતે  મેળવાય, તેમાં શું લખેલું હોય તે સહિતની માહિતીથી સંપૂર્ણપણે માહિતગાર હોય.સીસ્ટમને સમજતો હોય.  



સીએફઓ સાહેબે જાણવું જોઇએ કે નકલી ડિગ્રીની જેમ નકલી ફાયર એનઓસી પણ ફરે છે...
બજારમાં નકલી ચીજોની ભરમાર વચ્ચે નકલી ફાયર એનઓસી પણ મળે છે અને આ માહિતીથી શહેરના બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ સંપૂર્ણપણે અંધારામાં છે. તેમને ફિલ્ડમાં ફાયર સર્વિસનો કોઇ અનુભવ નથી અને ફાયર એનઓસી કેવી રીતે અપાય છે તે સહિતના મુદ્દાઓ પર પણ તેમને પ્રેક્ટીકલ જ્ઞાન નથી અને તેથી નકલી ફાયર એનઓસી પણ બજારમાં મળે છે તે વિશે તેઓ સદંતર અજાણ છે. ફાયર બ્રિગેડમાં કોઇ પણ પ્રકારના અનુભવ વગર ઉચ્ચ પોસ્ટ પર કામ મેળવી લેવું અને પછી આ પોસ્ટ પર ફાયરને લગતું તમામ કામ પુરી પ્રમાણીક્તાથી કરવું તે બંને અલગ અલગ બાબત છે.તે બિન અનુભવી સીએફઓએ જાણી લેવું જોઇએ. સીએફઓ મનોજ પાટીલને ખબર જ નથી કે તેમના જ વિભાગની નકલી એનઓસી માર્કેટમાં લાગત ભર્યા વગર ઉપલબ્ધ છે. તેમણે શહેરમાં એક ડ્રાઇવ યોજીને તત્કાળ તમામ ઇમારતોની ફાયર એનઓસી ચેક કરાવવી જોઇએ તો ખ્યાલ આવશે કે આવું પોલમપોલ કેટલી ઇમારતોમાં ચાલી રહ્યું છે. તેમની કાર્યપદ્ધતી મુજબ સીએફઓ મનોજ પાટીલ જો હાથ પર હાથ રાખીને બેસી રહેશે તો શહેરમાં નકલી એનઓસી લેવી શાકભાજી ખરીદવા જેવું થઇ જશે. નવા સીએફઓ ફાયર બ્રિગેડનો વહિવટ સમજી શક્યા નથી અને તેથી તે સદંતર નિષ્ફળ ગયા છે. પૂર્વ કમિશનર રાણાજીની કૃપાથી તેઓ સીએફઓ તો બની ગયા પણ તેમણે આ પ્રકારના ગોરખધંધા ચાલી રહ્યા હોય. ત્યારે આંખ આડા કાન ના કરવા જોઇએ. નકલી ડિગ્રી બજારમાં મળે છે તે તો સીએફઓ સાહેબ જાણે જ છે, તેમ નકલી ફાયર એનઓસી પણ મળે છે. નકલી ફાયર એનઓસી બાબતે તેમનો ટેલિફોનીક સંપર્ક કરાયો ત્યારે હંમેશની જેમ જ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. 

હવે પદાધિકારીઓએ પણ આળસ ખંખેરવી જોઇએ. 
નકલી ફાયર એનઓસી બાબતે કમિશનર ઉપરાંત મેયર , ચેરમેન સહિતના તમામ પદાધીકારીઓએ પણ ગંભીરતા દાખવીને તપાસના આદેશો આપવા જોઇએ. કોઇ ચોક્કસ વ્યક્તિ આ નકલી ફાયર એનઓસી બનાવામાં સંકળાયેલો હોય તેવી શંકા થઇ રહી છે અને આ કૌંભાડની ઉંડી તપાસ કરીને પર્દાફાસ કરવો જોઇએ. મામલાની વિજીલન્સ તપાસ અને પોલીસ ફરિયાદ પણ થવી જરુરી છે. સીએફઓની નિમણુક વખતે બેદરકારી દાખવનારા અને આંખ આડા કાન કરનારા પાંચેય પદાધીકારીઓએ હવે આળસ ખંખેરીને ફાયર બ્રિગેડમાં ચાલી રહેલા કૌંભાડોની તપાસ કરાવવી જોઇએ.

આ વ્યક્તિઓ સામે શંકા..
કોઇ વચેટીયો કે પછી કોર્પોરેશનનો કોઇ જુનો કર્મચારી કે પૂર્વ સીએફઓ કે પછી ફાયરનો નિવૃત્ત કર્મચારી કે બાંધકામ પરવાનગી શાખાનો કોઇ પૂર્વ કર્મચારી કે અધિકારી કે પછી પૂર્વ ટીડીઓ કે પછી કોઇ આર્કીટેક્ટની સંડોવણી હોઇ શકે છે કારણ કે આ લોકો સીધા ફાયર એનઓસી સાથે સંકળાયેલા છે. આવી નકલી ફાયર એનઓસી કેટલાને આપી હશે તે તપાસનો વિષય છે અને તેની પણ સીએફઓએ તપાસ કરાવવી જોઇએ..

મેં સહી કરી નથી : ફાયર ઓફિસર 
મેં બજારમાં ફરતી આ ફાયર એનઓસી જોઇ છે અને તેમાં જે સહી છે તે મારી નથી પણ ડુપ્લીકેટ સહી છે. કોઇ અલગ અધિકારીની સહી છે. લાગે છે કે સિસ્ટમમાંથી કોપી પેસ્ટ કરવામાં આવી છે. હું આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરીશ. 

નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર
ગુજરાતમાં આ નકલી અધિકારીઓ પણ પકડાયા હતા.
સરકારી ચોપડે ઘણા નકલી અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી પકડાયેલા છે જેમાં નકલી પીએમ એડ્વાઇઝર તરીકે મયંક તિવારી, નકલી પીએમઓ અધિકારી કિરણ પટેલ, નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય, નકલી ડે.કલેક્ટર પ્રકાશ નાયક, નકલી સીબીઆઇ અધિકારી હિતેશ્વરસિંહ મોરી, નકલી આઇએએસ ભરત છાબડા, નકલી આઇબી અધિકારી પ્રદ્યુમ્ન પટેલ, નકલી સીબીઆઇ અધિકારી તરુણ ભટ્ટ, નકલી સિંચાઇ કચેરી ચલાવતો સંદિપ રાજપૂત, નકલી ટોલનાકું ચલાવતો અમરશી પટેલ, નકલી પીએસઆઇ મયુર તડવી, નકલી સીએમઓ અધિકારી લવકુશ ત્રિવેદી, નકલી એસઆઇ નિખીલ પટેલ, નકલી ઇડી અધિકારી ઓમવીરસિંહ, નકલી એનઆઇએ અધિકારી ગુંજન કટારીયા, નકલી કલેક્ટર તરીકે હિરાલી કોરડીયા, નકલી સીબીઆઇ અધિકારી પુષ્પરાજ રાય, નકલી કલેક્ટર નેહા પટેલ, નકલી સીએમઓ અધિકારી વિરાજ પટેલ, નકલી પીએમઓ અધિકારી નિકુંજ પટેલ, નકલી જજ સેમ્યુમ મોરીસ તથા નકલી આર્મી કેપ્ટન પ્રવિણ સોલંકી નો સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post