મલાડના ડૉક્ટરે ઑનલાઈન મગાવેલા આઈસક્રીમ કોનમાંથી માનવ આંગળી મળવાના કેસમાં પોલીસે પુણેની આઈસક્રીમ ફૅક્ટરીમાંથી વ્યક્તિને શોધી કાઢ્યો હતો.
આંગળીનો ટુકડો એ જ કર્મચારીનો હોવાની ખાતરી કરવા માટે પોલીસે તેનાં ડીએનએ સૅમ્પલ તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલ્યાં હતાં.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આઈસક્રીમ ફૅક્ટરીના કર્મચારીની ઓળખ પુણેમાં રહેતા ઓમકાર પોટે (24) તરીકે થઈ હતી. ઈન્દાપુરની ફોર્ચ્યુન ડેરી ફૅક્ટરીમાં આઈસક્રીમ કોન ભરતી વખતે 11 મેના રોજ પોટેની આંગળીનો ટોચનો ભાગ કપાઈ ગયો હતો.મલાડ પોલીસ સ્ટેશનના અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે પોટેના ડીએનએ સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં. કપાયેલી આંગળી પોટેની જ હોવાની ખાતરી માટે ફોરેન્સિક ટેસ્ટ કરવામાં આવશે.ઘટના 12 જૂને પ્રકાશમાં આવી હતી.
મલાડના ઓર્લેમ પરિસરમાં રહેતા 26 વર્ષના ડૉક્ટરે ઑનલાઈન આઈસક્રીમ મગાવી હતી, જેમાંથી બટરસ્કોચ આઈસક્રીમના કોનમાંથી નખ સાથેનો માંસનો ટુકડો મળી આવ્યો હતો. એ માંસનો ટુકડો માનવ આંગળીનો ભાગ હોવાની ખાતરી થતાં મલાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે એ આંગળીના ટુકડાને પણ તપાસ માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલાવ્યો હતો.ફોર્ચ્યુન ડેરીના માલિક મનોજ તુપેએ જણાવ્યું હતું કે અમે પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યા છીએ અને ડીએનએ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.ઘટના પ્રકાશમાં આવ્યા પછી ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્ડીયા એ ઈન્દાપુરની ફૅક્ટરીને કામ બંધ કરવાની નોટિસ મોકલાવી હતી.
Reporter: News Plus