દિલ્હી: અમેરિકાની પ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા ઈવોલ્વ બેંક એન્ડ ટ્રસ્ટના સીઈઓ બોબ હાર્ટહાઈમરની બાળ પોર્નોગ્રાફી તેમજ સગીર સાથે અશ્લીલ સંપર્ક જેવા ગંભીર આરોપોમાં ધરપકડ કરવામાં આવી છે.
આ પ્રકરણ એફબીઆઈના સ્ટિંગ ઓપરેશન દરમ્યાન ઉજાગર થયું હતું જેમાં બોબ એક પંદર વર્ષીય કિશોર (જે વાસ્તવમાં એજન્સીનો અંડરકવર એજન્ટ હતો) સાથે ઓનલાઈન વાતચીત કરતા પકડાઈ ગયો હતો. આરોપો જાહેર થતા જ બેંકે તેને તાત્કાલિક પદ પરથી સસ્પેન્ડ કરી દીધો હતો.વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ અનુસાર બોબ હાર્ટહાઈમરે એક ગે એપ પર સગીર યુવક સાથે સંપર્ક કર્યો અને તેની સાથે અશ્લીલ ફોટા તેમજ મેસેજ શેર કર્યા. આરોપ છે કે તેણે સગીર પાસે અનુચિત માગણી કરી તેમજ પોતાની પણ આપત્તિજનક તસવીરો મોકલી. તપાસ દરમ્યાન સામે આવ્યું કે ટોમ નામનો યુઝર એકાઉન્ટ હકીકતમાં બોબનો હતો. એફબીઆઈએ આ એકાઉન્ટનો આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તેની ઓળખની પુષ્ટી કરી લીધી.
૧૯ ઓક્ટોબરના રોજ શરૂ થયેલી તપાસમાં એજન્ટે પોતાને જ પંદર વર્ષીય કિશોરના રૂપમાં રજૂ કર્યો. બોબે તેની પાસેથી સ્નેપચેટ પર ખાનગી વાતચીત ચાલુ રાખી અને જાતીય રૂપથી સ્પષ્ટ કનટેન્ટ શેર કરવાનો પ્રયાસ કર્યો. એજન્ટે પુરાવા એકત્ર કર્યા જેના આધારે ૨૩ ઓક્ટોબરના રોજ પોલીસે બોબની ધરપકડ કરી. ઈવોલ્વ બેંકના પ્રવક્તાએ પુષ્ટી કરી કે ધરપકડની જાણકારી મળતા જ બોબને તાત્કાલિક પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત બોબના પરિવારને પણ આ પ્રકરણની જાણકારી મળી છે જેમણે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે કાનૂની પ્રક્રિયાનું સન્માન કરતા તેઓ બોબના પડખે ઊભા છે. આ પ્રકરણે અમેરિકી નાણાંકીય ક્ષેત્રમાં નૈતિક જવાબદારી અને નેતૃત્વ બાબતે ગંભીર સવાલ ઊભા કર્યા છે.
Reporter: admin







