કોલકાતા : ભારતમાં ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ શરૂ થયા પછી પહેલી વખત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી ઈવીએમની તપાસ થશે.
ન્યાયાધીશ સોમશેખર સુંદરેસને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનની હાજરીમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.ને ઈવીએમની તપાસ કરવા આદેશ આપ્યો છે. બીજીબાજુ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચ દ્વારા ૨૭.૧૬ લાખ મતદારોના નામ ફ્રીઝ કરવાની કાર્યવાહીને પડકારતી એક અરજી પર ૧૩ એપ્રિલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે સહમતી દર્શાવી છે.મહારષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં ચાંદિવલી બેઠક પર શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડે સામે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનનો પરાજય થયો હતો.
જોકે, નસીમ ખાને આ પરિણામોને હાઈકોર્ટમાં પડકાર્યા હતા. હવે હાઈકોર્ટના ન્યાયાધીશ સોમશેખર સુંદરેસને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.ને ઈવીએમની તપાસનો આદેશ આપ્યો છે.મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીએ ઈવીએમ સાથે ચેડાં અને વોટ ચોરીનો આરોપ મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, અરજદાર માટે જ્યારે પણ ઈવીએમની તપાસની મંજૂરીનો આદેશ અપાશે તો તેના બે મહિનાની અંદર જ ચૂંટણી પંચે મશીનોનું નિરીક્ષણ પૂરું કરાવવું પડશે. હાઈકોર્ટે કહ્યું કે, ભારતમાં આ પ્રકારે ક્યારેય ઉમેદવાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં ઈવીએમની તપાસ નથી કરાઈ.
Reporter: admin







