News Portal...

Breaking News :

સ્વચ્છતામાં આજે પણ પાલિકા શૂન્ય!, ઠેર ઠેર કચરાનાં ઢગલા

2025-09-19 10:46:43
સ્વચ્છતામાં આજે પણ પાલિકા શૂન્ય!, ઠેર ઠેર કચરાનાં ઢગલા


સ્વચ્છતા સર્વેક્ષણના નંબર મેળવવા માટે જ ધમપછાડા!

માત્ર સલાહ સૂચન માટે ઇન્દોરની ખાનગી કન્સલ્ટન્સી કંપનીને 1.16 કરોડ ચૂકવ્યા બાદ પણ અધિકારીઓએ બોધપાઠ લીધો નહિ !




રીવ્યુ બેઠકોમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાના મ્યુ.કમિશ્નરનાં સૂચનને અધિકારીઓ ઘોળી પી ગયા ?

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરીને કન્સલ્ટન્ટને કામ સોપવામાં આવ્યું હતું. જોકે આ ખર્ચો લેખે લાગ્યો હોય તેમ લાગતું નથી. આજે પણ શહેરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. પાલિકાના સત્તાધીશોને આ ગંદકીના દર્શન કરવા હોય તો દુર જવાની જરૂર નથી. પાલિકાની કોઈ પણ કચેરીની આસપાસમાં જ રોજ દુર્ગંધ મારતા કચરાના ઢગલાઓ જોવા મળી જશે ! આજથી એક વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ગુણ મેળવવા માટે ઇન્દોરની ખાનગી કન્સલ્ટન્સી કંપનીને 1.16 કરોડ ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. આ ખાનગી કન્સલ્ટન્સી કંપની માત્ર સ્વચ્છતા માટે સલાહ સુચન કરવાની હતી .તે બાદ આ વર્ષે પાલિકાએ સ્વચ્છતામાં સારો ક્રમાંક પણ મેળવી લીધો, જોકે ત્યાર બાદ ફરી શહેરમાં ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ દ્વારા યોજાતી રીવ્યુ બેઠકમાં અધિકારીઓને સ્વચ્છતા માટે પ્રાથમિકતા આપવા અંગે સુચન કરવામાં આવે છે. જોકે અધિકારીઓ માટે કમિશ્નરનું સુચન “પાણીનું નામ ભૂ “ જેવું છે. મ્યુનીસીપલ કમિશ્નરના સૂચનો અધિકારીઓ ગંભીરતાથી લેતા હોત તો આજે પાલિકા કચેરીની પાછળ જ કચરાના મોટા ઢગલા ન થયા હોત!

એક દિવસના સફાઈ અભિયાનને બદલે નેતાઓએ “સફાઈને સ્વભાવ” બનાવવો જોઈએ

હજી તો ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિતે પાલિકાના સત્તાધીશોએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું હતું. આ સફાઈ અભિયાનમાં મેયર સ્વયં ઝાડું મારતા નજરે પડ્યા હતા. જોકે સ્વચ્છ સ્થાને ઝાડું મારવાથી રસ્તાઓ દર્પણની જેમ ચમકશે નહિ ! જો ખરા અર્થમાં રાજકારણીઓ એ સફાઈ કરવી હોય તો જ્યાં કાયમ માટે પારાવાર ગંદકી રહે છે. ત્યાં સફાઈ કરવી જોઈએ. સફાઈ કોઈ એક દિવસની ઉજવણીનું સાધન નથી. સફાઈને સંભવ બનાવવાની શરૂઆત તેનાઓથી થવી જોઈએ. 



ટ્રેનીંગ નામે નગરસેવકોના “પીકનીક” ખર્ચ પાલિકાએ અટકાવવા જોઈએ

વડોદરા મહાનગર પાલિકાના નગરસેવકોનું ડેલીગેશન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છતાના પાઠ ભણવા માટે છાશવારે પ્રજાના વેરાના પૈસે અન્ય શહેરોના પ્રવાસ કરે છે. જોકે આ પ્રવાસનું પરિણામ વડોદરામાં જોવા મળતું નથી. નગરસેવકોના આ શૈક્ષણિક પ્રવાસ પાછળ થયેલો ખર્ચ લેખે લાગ્યો નથી. કોઈ નેતાના જન્મદિવસ કે, ફોટા પડાવવા માટે નગરસેવકો પહેલી હરોળમાં ઉભા થઇ જાય છે. જયારે પોતાના વિસ્તારમાં ઝાડું લઈને જાતે કોઈ નગરસેવક સફાઈ કરતા હોય તેવા દ્રશ્યો કોઈએ જોયા છે ?

રાજકારણીઓ માત્ર મિડીયાનાં કેમેરા સામે ડાહ્યા ડમરા થઈ જાય છે. બાકી કોઈ કોર્પોરેટરો, હોદ્દેદારો કે ધારાસભ્યોને કોઈ સ્વચ્છતા અભિયાનની ગંભીરતા નથી. હજી વડોદરા ટોપ 10 ની ગણતરીમાં પણ આવ્યું નથી. ગલીએ ગલીએ અને પોળે પોળે સફાઈ કરતી ઈ રીક્ષાઓ વ્હિકલપુલના ભંગારવાડામાં પડેલી છે. વડોદરાને અસ્વચ્છ જોવું હોય તો સવારના 10:00 વાગ્યાથી બીજા દિવસે સવારનાં સાત વાગ્યા સુધી તમામ ઝોનમાં ગંદવાડ જ દેખાય છે. સવારના માત્ર બે ત્રણ કલાક સફાઈ કામદારો સાફ કરીને જાય પછીના બે કલાક જ વડોદરા સ્વચ્છ દેખાય છે. પછી સફાઈ કામદારો ગાયબ એમની સાથે સાથે સુપરવાઇઝરો- સેનેટરી ઇન્સ્પેક્ટરો પણ ગાયબ. બપોરના પોતાના એરિયામાં-બીટમાં ફરી સફાઈ થવી જોઈએ એ લગભગ આખા વડોદરામાં ક્યાંય થતી નથી. પગાર આખા દિવસનો  અપાય છે કે ફક્ત સવારના બે કલાકનો? કંઈ નહિ તો જાહેર જગ્યાની આસપાસ પણ બપોર પછી બીજીવાર સફાઈ થશે તો જ વડોદરા સ્વચ્છ દેખાશે

Reporter:

Related Post