શહેરમાં અનેક ઠેકાણે રસ્તાઓ પર ભંગારમાં પડેલા વાહનોનો ખડકલો જોવા મળે છે પણ શહેર ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરે છે.

નવાઇની વાત એ છે કે રાવપુરા વિસ્તારમાં રેલવે એસપી ઓફિસની બહાર જ ભંગારમાં ગયેલી ખખડેલી ગાડીઓ રોડ પર પડેલી છે અને તેના કારણે રસ્તો પણ સાંકડો થઇ ગયો છે ઉપરાંત કોઠી કચેરીની બાજુમાં છેલ્લા ત્રણ વર્ષથી વેસ્ટ્રન રેલવે પોલીસની પીસીઆર વાન ભંગાર હાલતમાં પડેલી છે. આ પીસીઆર વાન પહેલા સારી હાલતમાં હતી પણ ઘણા સમયથી પડી રહી છે છતાં શહેર ટ્રાફિક પોલીસ કે કોર્પોરેશની દબાણ શાખા રેલવે પોલીસ સામે કોઇ કાર્યવાહી કરતી નથી. રસ્તાઓ પર રિપેરીંગ માટે મુકાયેલા વાહનો કે ભંગારમાં ગયેલા વાહનો મુકી રાખનારા વેપારીઓ સામે શહેર ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનનો દબાણ વિભાગ દબાણ હટાવાના નામે કાર્યવાહી કરે છે પણ તેમને રેલવે એસપી કચેરીની બહાર બીએસએનએલ ઓફિસની પાસે જ ખખડધજ વાહનોનું કરાયેલું દબાણ દેખાતુ નથી.

શહેરમાં ચારેબાજુ જ્યાં જુવો ત્યાં દબાણોનો રાફડો ફાટી નિકળ્યો છે. ચાર દરવાજા વિસ્તારમાં તો ફૂટપાથ પર ચાલવા માટે પણ જગ્યા મળતી નથી. પાલિકાની દબાણ શાખા અને પોલીસ અવાર નવાર દબાણો હટાવાનું નાટક શરુ કરી દે છે પણ જેવી આ કામગિરી પુરી થાય કે તેના અડધા કલાક પછી જ ધીમે ધીમે દબાણો ફરીથી તેના યથાવત મૂળ સ્થાને આવી જાય છે. કોર્પોરેશન અને પોલીસ દ્વારા કોઇ નક્કર કામગિરી કરાતી નથી તેનો ફાયદો આવા દબાણકરતા તત્વો દ્વારા ઉઠાવામાં આવે છે. રસ્તો સાંકડો થઇ જવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે અને ફૂટપાથ તો શોધીએ તો પણ જોવા મળતી નથી ત્યારે દબાણ હટાવવા માટે નાટકો કરતા તંત્રએ નક્કર કાર્યવાહી કરવી જ પડશે. શહેરના ડેરીડેન સર્કલ પાસે અને રેલવે સ્ટેશન વિસ્તારમાં અનેક રિક્ષાઓ અને વાહનો રસ્તા પર ગેરકાયદેસર ઉભા રહે છે પણ તંત્રના ધ્યાનમાં તે આવતું નથી. નામ પુરતી કાર્યવાહી કરી લઇને સંતોષ માની લેવાય છે. અમિતનગર સર્કલ તો હવે માથાના દુખાવા સમાન બની ગયું છે કારણ કે ખાનગી વાહનો ટ્રાફિક શાખાના ભરણસિંહના ભરોસે હટાવાતા જ નથી અને ખાનગી વાહન સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી પણ કરાતી નથી.
Reporter: admin