News Portal...

Breaking News :

હળીમળીને ખાવું ને વૈકુંઠ જાવું

2025-12-27 10:15:02
હળીમળીને ખાવું ને વૈકુંઠ જાવું


અલીબાબા ચાલીસ ચોરનાં વહીવટથી ચાલતી પાલિકાની વ્હાઈટ કોલર ટોળકી..
18.75% વધારાનો મેજીક આંકડો કોનાં આદેશથી મુકાયો?..
કોન્ટ્રાક્ટર–અધિકારીઓ–સ્થાયીની મિલીભગતથી કોર્પોરેશનની તિજોરીને ખાલી કરવાની મોડસ ઓપરેન્ડી 
ચૂંટણી પૂર્વે 31 કામોને એક ઝાટકે મંજૂરી, 4 થી 29 ટકા અંદાજીત ભાવ કરતા વધુ સ્વીકારી સહિયારો ભ્રષ્ટાચાર.




ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને જલસા : મિલીભગતથી કોર્પોરેશનની તિજોરીને ખાલી કરવાનો કારસો સફળ, ઊંચા ભાવવાળી તમામ દરખાસ્તો સ્થાયીમાં એક ઝાટકે મંજૂર
શહેરમાં આગામી કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતીમાં આજે 31 કામો રજૂ કરાયા હતા. આ તમામ કામોને એક ઝાટકે સ્થાયી સમિતીએ મંજૂરી આપી દેતા કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ અને પદાધિકારીઓ વિકાસના કામોના નામે ‘જલસા’ કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 22 મૂળ એજન્ડાના કામો તથા 9 વધારાના કામો મળી કુલ 31 કામોને સડસડાટ મંજૂરી આપવામાં આવી, જેના કારણે તમામના ચહેરા ઝળહળી ઉઠ્યા હતા. અંદાજ કરતા વધુ ભાવે કામ કરવામાં શરમ અનુભવવી જોઈએ. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ નિઃસંકોચ 4 ટકાથી માંડીને 29 ટકા સુધી વધુ ભાવની દરખાસ્તો રજૂ કરી હતી અને સ્થાયી સમિતીએ પણ ખુશીથી વડોદરાની પ્રજાની તિજોરી ખુલ્લી મૂકી કોન્ટ્રાક્ટરોને નિરાશ કર્યા નહોતા.મૂળ હકીકત એ છે કે કોન્ટ્રાક્ટરોને પણ ખબર છે કે કોર્પોરેશનની ચૂંટણી નજીક છે, તેથી વધુ ભાવવાળી દરખાસ્તો સ્થાયી સમિતિમાં મોકલવામાં આવી છે. સ્થાયી સમિતિ પણ ‘કમાવવાનો’ મોકો ચૂકવા માંગતી નથી. તેથી તમામ દરખાસ્તોને મંજૂરી આપી કોર્પોરેશનની તિજોરી ખાલી કરવાની વ્યવસ્થિત યોજના રચાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમ પૂર્વ શહેર પ્રમુખને પગલે નવા શહેર પ્રમુખે પણ મોટાભાગની દરખાસ્તો મેળાપીપણાંમાં મંજૂર કરાતી હોવાની પરંપરા જાળવી રાખી છે. સ્થાયી સમિતિનાં ચેરમેન પણ ઉંચા ભાવની દરખાસ્તોમાં ખાસ રસ ધરાવતા હોવાનું પાલિકા વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.અકોટા ટીપી–1, એફપી–76માં નવો સ્વિમિંગ પુલ બનાવવા માટે વી.સી. પ્રોજેક્ટ એન્ડ ઇન્ફ્રા પ્રા.લી.ને 7 ટકા વધુ ભાવે 12,37,30,059 રૂપિયાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે. તે જ રીતે દક્ષિણ ઝોનના માંજલપુર સ્મશાન સામે ટીપી–19માં નવો સ્વિમિંગ પુલ બનાવવા માટે પણ એ જ કોન્ટ્રાક્ટરને સમાન ભાવ પર કામ મંજૂર કરાયું છે.શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલા સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર બનાવવા માટે યશ કન્સ્ટ્રક્શનને 4.77 ટકા વધુ ભાવે 2,06,07,621 રૂપિયાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. વડસર તળાવના નવીનીકરણ માટે એકમે કન્સ્ટ્રક્શનને 20.50 ટકા વધુ ભાવે 5,63,96,997 રૂપિયાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.વોર્ડ નં. 18માં જીજી માતા મંદિરથી એરડા એબીબી સુધી રોડ વાઇડનીંગ અને કાર્પેટ સિલકોટના કામ માટે ડી.બી. પટેલને 18.75 ટકા વધુ ભાવે 6,58,05,632 રૂપિયાની દરખાસ્ત મંજૂર કરાઈ છે. મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણી મુખ્ય માર્ગને જોડતા રોડ અને ફૂટપાથ માટે પી.ડી. કન્સ્ટ્રક્શનને 18.75 ટકા વધુ ભાવે 8,82,70,320 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે.આ ઉપરાંત જ્યુપીટર ચોકડીથી બીએસએનએલ ઓફિસથી કટારીયા શોરૂમ પાછળના રોડ માટે શાંતિલાલ બી. પટેલને 18.75 ટકા વધુ ભાવે 9,24,42,206 રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. સેવાસી પમ્પિંગ સ્ટેશનને જોડતા 30 મીટર રોડ માટે પી.ડી. કન્સ્ટ્રક્શનને પણ સમાન ટકાવારી પર મંજૂરી આપવામાં આવી છે.ઉત્તર ઝોનમાં ડી.બી. પટેલના વાર્ષિક ઇજારામાં 1.75 કરોડનો વધારો અને 3 મહિનાનો સમયવધારો મંજૂર થયો છે. દક્ષિણ ઝોનમાં કૌશલ દેવીદાસ હરપલાણીને 8 કરોડની મર્યાદામાં આર.સી.સી. રોડ બનાવવા મંજૂરી અપાઈ છે.



કોન્ટ્રાક્ટરો વધુ ભાવે કામ કરીને પણ બરાબર કામ કરતા નથી, તો ઓછા ભાવે કામ કરીને કેવી વેઠ ઉતારશે?
ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફ ડ્રેનેજ ગ્રેવીટી લાઇન માટે રાજકમલ બિલ્ડર્સ ઇન્ફ્રાને 14.05 ટકા ઓછા ભાવે કામ મંજૂર કરાયું છે. રાજકમલ બિલ્ડર્સ અગાઉ પણ વિવાદમાં રહ્યા છે અને વધુ ભાવે પણ ગુણવત્તાવિહોણું કામ કરતા હોવાનું નામ છે, ત્યારે ઓછા ભાવે કામની ગુણવત્તા અંગે સવાલ ઊભો થયો છે.

કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવી?
સ્થાયી સમિતિમાં રજૂ થયેલી ઘણી દરખાસ્તોમાં 18.75 ટકા એકસરખો અબાઉ રેટ જોવા મળતા પાલિકા વર્તુળોમાં ચર્ચા છે કે કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવી કોર્પોરેશનને લૂંટી છે. ડી.બી. પટેલ, પી.ડી. કન્સ્ટ્રક્શન, શાંતિલાલ બી. પટેલ અને વી.એસ. શાહ એન્ડ કંપનીની દરખાસ્તોમાં એકસરખો ભાવ હોવો શંકા ઉભી કરે છે. સ્થાયી સમિતીએ પણ આ તમામ દરખાસ્તોને મંજૂરી આપતા મિલીભગતની ચર્ચાઓ તેજ બની છે.રોડનાં દરેક કોન્ટ્રાક્ટરે એક સરખો 18.75 ટકાનો વધારો માંગ્યો છે અને દરેકની દરખાસ્ત મંજૂર કરાઈ છે. 18.75 ટકા વધારાનો મેજીક આંકડાનું રહસ્ય તો ચેરમેન- કમિશનર- કોન્ટ્રાક્ટર અને શહેર પ્રમુખ જ કહી શકે.તપાસનો વિષય બને છે.ચેરમેન-કમિશ્નર-શહેર પ્રમુખ-કોન્ટ્રાક્ટરોનું એકબીજાનું મેળાપીપણું સ્પષ્ટ દેખાય છે.સહિયારા ભ્રષ્ટાચાર વગર વડોદરાનો વિકાસ શક્ય જ નથી એવું હવે નગરજનો સમજતા થઈ ગયા છે.

Reporter:

Related Post