ગત વર્ષે આશરે 25,000 કરોડનું નુકસાન વડોદરાવાસીઓને થયું
*આ અભિયાન રાજ્ય સરકારની આર્થિક મદદથી પાર પાડવાનું હોવાથી, માન્ય મુખ્યમંત્રી હસ્તક શુભ કામની શરૂઆત કરાવવી જોઈતી હતી. પરંતુ અગમ્ય કારણોસર મુખ્યમંત્રીને મનાવીને લાવી શક્યા નહી.
વડોદરાવાસીઓને હવે વડોદરામાં પૂર નહીં આવે તેવી લોલીપોપ આપીને કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કામો કરવાનો પ્રારંભ કરી દીધો છે. પાલિકાના કમિશ્નરે તો વડોદરાવાસીઓને 100 દિવસનો જુમલો આપ્યો છે અને 100 દિવસમાં પૂરને રોકવાનું 40 ટકા કામ થશે પણ વડોદરામાં પૂર તો આવશે જ અને તેની અસર ઓછી થશે તેમ જણાવી પોતાના હાથ અદ્ધર કરી દીધા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ એ એવો પ્રોજેક્ટ છે કે તેના નામે નેતાઓ લોકોની લાગણી સાથે રમત રમી રહ્યા છે.હવે તો વડોદરામાં દર વર્ષે પૂરની સમસ્યા સર્જાય છે અને લોકોનું કરોડો રુપિયાનું નુકશાન થાય છે. વિશ્વામિત્રીને પહોળી અને ઉંડી કરવાના કામનો શુભારંભ થયો ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં બણગાં ફૂક્યા કે આ તો 1996થી વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત ચાલતી હતી. અને વિધાનસભા સહિત અન્ય સ્થળોએ તેની ચર્ચા પણ કરી હતી. કાકાએ જણાવવું જોઇએ કે તમે 7 ટર્મથી ધારાસભ્ય રહ્યા છો તો વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે અત્યાર સુધી શું કર્યું ? સિનીયર ધારાસભ્યે માત્ર ચર્ચાઓ જ કરી છે તેમ પોતે જ મિડીયાને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે 1996થી વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ચાલે છે. ગયા વર્ષે પાણી ભરાયા ત્યારે મુખ્યમંત્રીએ તેને ધ્યાનમાં રાખીને 1100 કરોડનો પ્રોજેક્ટ નક્કી કર્યો. યોગેશ પટેલે અત્યાર સુધી વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે માત્ર ચર્ચાઓ કે રજૂઆતો કરી હશે પણ જમીન ઉપર દેખાય અને લોકોને પૂરથી રાહત ના મળે તેનો કોઇ જ પ્રયાસ કર્યો નથી. બીજી તરફ રવિવારના કાર્યક્રમમાં હાજર રહેલા વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાળુ શુક્લાએ પણ વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાહવાહી લૂંટવા માટે મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે 2010માં વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરુ કરાયો હતો અને તબક્કાવાર કામ થતું હતું. બાળકૃષ્ણ શુક્લાએ હવે તો વડોદરાવાસીઓને ખાસ જણાવવું જોઇએ કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં 2010થી અત્યાર સુધી કયા તબક્કાવાર કામો થયેલા છે કારણકે જમીન પર તો કોઇ કામો થયા હોવાનું ક્યાંય પણ દેખાતુ નથી અને જો તબક્કાવાર કામો થયા હોત તો ગયા વર્ષે જે વિનાશક પૂર આવ્યું તે ના આવ્યું હોત અને લોકોને જાનમાલનું નુકશાન પણ ના થયું હોત. વળી બાળકૃષ્ણ શુકલએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રીએ વડોદરાવાસીઓને વચન આપ્યું છે કે હવે વડોદરામાં પૂર નહીં આવે તો બાળુ શુક્લાએ એ પણ જણાવવું જોઇએ કે રાજ્યના મુખ્યમંત્રી જો આવું વચન આપતા હોય તો ધારાસભ્ય તરીકે તમે કેમ વડોદરાવાસીઓને કોઇ વચન આપતા નથી કે હવે પૂર આવશે જ નહીં. બાળુ શુક્લા દર વખતની જેમ આ વખતે પણ મુખ્યમંત્રીના નામે ચરી ખાય છે. એક નેતા 1996થી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલતો હોવાનું તો બીજો નેતા 2010થી વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલતો હોવાના બણંગા ફૂકી રહ્યા છે તો હવે બંનેમાંથી સાચુ કોણ અને જુઠ્ઠુ કોણ તેની વડોદરાવાસીઓને જાણ થવી જોઇએ. સાથે સાથે આ પ્રોજેક્ટ જો આટલા વર્ષથી ચાલતા હતા તો બંનેએ શું કર્યું ? તેનો પણ જવાબ આપવો જોઇએ. બંને ધારાસભ્યોના આ વિરોધાભાસ નિવેદનોથી પ્રજા પણ વિચારે છે કે લોકોને વિશ્વામિત્રી પ્રોજેક્ટની લોલીપોપ જ આપવામાં આવી છે.

*ગત વર્ષે માનવસર્જિત પૂરમાં લોકોને ₹25,000 કરોડનું નુકસાન ના થયું હોત તો, આવતા 25 વર્ષ સુધી આ વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ શરૂ જ થયો ના હોત.
વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે લોકોને લોલીપોપ આપવાનો પ્રયાસ
જો ધારાસભ્ય યોગેશ પટેલ એમ કહે છે કે તે 1996થી વિશ્વામિત્રી પ્રોજેક્ટની ચર્ચા કરી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે જો તેઓ 1996થી જ પૂર ના આવે તે કાર્યમાં જ લાગેલા રહ્યા હોત તો કદાચ વડોદરાવાસીઓ ભુતકાળમાં આવેલા પૂરથી બચી ગયા હોત. 1996માં 27 કરોડના ખર્ચે ડાયવરઝનનો પ્રોજેક્ટ શરુ કરાયો હોત અને વિશ્વામિત્રીનું પાણી મીની નદીમાં ડાયવર્ટ કરવાનું શરૂ કર્યું હોત તો વડોદરાવાસીઓને પૂર જોવાનો વારો આવ્યો જ ન હોત.યોગેશ પટેલે આ 30 વર્ષ સુધી શું કર્યું તે સવાલનો જવાબ વડોદરાવાસીઓ માગી રહ્યા છે. બાળકૃષ્ણ શુકલ પણ 2010ની વાતો કરે છે અને મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવશે તેવી વાતો કરી હતી તો તેમણે 2010માં જે કરવાનું હતું તે કરી લેવાનું હતું. આટલા વર્ષો તેમણે શું કર્યું તેનો જવાબ પણ વડોદરાવાસીઓ માંગી રહ્યા છે. રાણાજી મોટી મોટી વાતો કરી રહ્યા છે કે 100 દિવસ અને રાત ભેગા કરીને કામ કરીશું તો સાહેબ અત્યારથી જ કરી દોને..રાહ કોની જુવો છો. બીજી તરફ વરસાદી પાણીનાં નિકાલની વરસાદી કાંસોની જ જો સફાઇ નહી થાય તો આ તમામ ખર્ચો વ્યર્થ જશે કારણ કે પાણીને સડસડાટ નીકળવા માટે શહેરમાંથી પસાર થતા કાંસ ઉપરનાં અવરોધો-દબાણો દુર કરવા પડશે.

એક નેતા 1996 તો બીજો નેતા 2010માં વિશ્વામિત્રી પ્રોજેક્ટ શરુ થયો હોવાના બણગાં ફૂંકે છે ત્યારે સાચું કોણ ?
આઇએએસ વર્તુળમાં કમિશનરની બદલી થાય તેવી ચર્ચા છે
કમિશનર રાણાજીના હવે એક પછી એક વિવાદો સામે આવી રહ્યા છે. બિનઅનુભવી અને લાયકાત વગરના ચીફ ફાયર ઓફિસરની ભરતી હોય કે પછી પોતાના પીએ તરીકે પણ જેની નિમણુંક કરી છે તે લાયકાત વગરનો ઉમેદવાર હોય કે પછી નિવૃત્ત ટીડીઓ જીતેશ ત્રિવેદીને રાજ્ય સરકારની મંજૂરી વગર 2 વર્ષ સુધી નોકરીમાં રાખીને બેફામ ભ્રષ્ટાચાર આચરાયો હોય...આ સિવાય પાલિકાની વિવિધ ભરતીઓમાં લાયક ઉમેદવારોને કરાયેલા અન્યાયની વાતો હોય.. રાણાજી આ તમામ મુદ્દામાં વિવાદમાં આવ્યા છે. જો રાજ્ય સરકાર આ તમામ કેસોની ઉંડાણપૂર્વક વીજીલન્સ દ્વારા તપાસ કરાવે તો રાણાજી ઘરભેગા થઈ શકે છે.રાણાજી પણ હવે બદલી કરાવીને પોતાના કાંડ ઢંકાઇ જાય તેવા પુરેપુરા પ્રયાસો કરવામાં લાગી ગયા છે. રાણાજીએ સામે ચાલીને બદલી માગી છે કે રાજ્ય સરકારની વિચારણાં હેઠોળ તે તો સમય જ બતાવશે.કોર્પોરેશન સંકુલમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
સાંસદ, મનિષા વકીલ, ચૈતન્ય દેસાઇ, ડે મેયર અને કોર્પોરેટરો ગેરહાજર...
રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ હેમાંગ જોશી તથા ધારાસભ્યો મનિષા વકીલ અને ચૈતન્ય દેસાઇ પણ હાજર રહ્યા ન હતા. આ ઉપરાંત ડેપ્યુટી મેયર અને સિક્કીમ ગયેલા કોર્પોરેટરો સિવાય અન્ય કોર્પોરેટરો કે જે વડોદરામાં જ હતા તેમની પણ ગેરહાજરી દેખાઇ હતી. સાંસદ અને આ બંને ધારાસભ્યો તથા ગેરહાજર કોર્પોરેટરોને જો ખરેખર વડોદરાવાસીઓની ચિંતા હોય તો તેઓ આ કાર્યક્રમમાં અચૂક હાજર રહ્યા જ હોત.કોર્પોરેટરો, ધારાસભ્યો તથા સાંસદ, માત્રને માત્ર મિડીયા સામે મોટી વાતો કરવા સિવાય અન્ય કોઇ કામ કરતા નથી તે જણાઇ આવ્યું છે. વિશ્વામિત્રી પૂરનો મુદ્દો વડોદરાવાસીઓ માટે અગત્યનો મુદ્દો છે અને સળગતો મુદ્દો છે કારણ કે દર વર્ષે આવતા પૂરના કારણે લોકોને કરોડો રુપિયાની નુકશાન થાય છે ત્યારે આ નેતાઓને વડોદરાવાસીઓને કંઇ જ પડી નથી તે જણાઇ આવે છે.
Reporter: admin