યાત્રાળુઓના અસાધારણ ધસારાને લઈને યમુનોત્રી ધામ પદયાત્રાના માર્ગ પર કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. ઉત્તરકાશી જિલ્લા વહીવટે યમુનોત્રીમાં ભીડ પર કાબૂ મેળવવા આ નિર્ણય લીધો છે.
કલેક્ટરના આદેશ મુજબ જાનકી ચટ્ટીથી યમુનોત્રી સુધીના પદયાત્રાના માર્ગ પર ઘોડા-ખચ્ચર અને લાકડીઓની સંખ્યા નક્કી કરવામાં આવી છે. નવી વ્યવસ્થા અંતર્ગત જાનકી ચટ્ટીથી યમુનોત્રી ધામના દર્શન કરીને ૫ કલાકમાં પરત ફરવું પડશે.ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની શરૂઆતથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભીડને કારણે ટ્રાફિક જામ થતા તમામ વ્યવસ્થાઓ ખોરવાઇ ગઇ છે. આ જ કારણ છે કે ઉત્તરકાશીના કલેક્ટરે ભીડને નિયંત્રિત કરવા માટે કલમ ૧૪૪ લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.
યમુનોત્રી તીર્થ માર્ગ પર ઘોડા અને ખચ્ચરની સંખ્યા ૮૦૦ નક્કી કરવામાં આવી છે. તેમના આવવા અને જવાનો સમય સવારે ૪ થી સાંજના ૫ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે દરેક ઘોડા-ખચ્ચર માટે યમુનોત્રીથી મુસાફરને લઇ જવા અને દર્શન કરીને પાછા ફરવાની સમય મર્યાદા પાંચ કલાક નક્કી કરવામાં આવી છે.
Reporter: News Plus