News Portal...

Breaking News :

બાજવા ખાતેથી આરોગ્ય, સ્વચ્છોત્સવ અને પોષણ અભિયાનનો જિલ્લાવ્યાપી પ્રારંભ થશે

2025-09-16 17:11:22
બાજવા ખાતેથી આરોગ્ય, સ્વચ્છોત્સવ અને પોષણ અભિયાનનો જિલ્લાવ્યાપી પ્રારંભ થશે


ત્રણેય અભિયાનોના આયોજનની કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ સમીક્ષા કરી સૂચનો કર્યા
પોષણ અભિયાનમાં આ વખતે પ્રથમ વખત પુરુષોની પણ ભાગીદારી સુનિશ્ચિત કરાશે
સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અંતર્ગત જિલ્લામાં ૩૧૦૭ આરોગ્ય કેમ્પ યોજાશે 


સ્વચ્છોત્સવ હેઠળ ગ્રામ વિસ્તારોમાં લોકોને જોડીને સઘન સફાઇ ઝૂંબેશ હાથ ધરાશે 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તેથી શરૂ કરીને છેક ગાંધી જયંતિ, સરદાર જયંતી સુધી ચાલનારા સરકારના ત્રણ મહત્વના અભિયાનો અંતર્ગત વડોદરા જિલ્લામાં કરવામાં આવેલા આયોજનની કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તા. ૧૭ના રોજ સવારે ૧૧ વાગ્યે બાજવા ખાતેથી આ ત્રણેય અભિયાનનો જિલ્લા વ્યાપી શુભારંભ કરવામાં આવશે. પ્રથમ અભિયાન પોષણ માસ છે. જેમાં એક મહિના સુધી પોષણને લગતા વિવિધ કાર્યક્રમો ગ્રામ્ય સ્તર સુધી યોજાશે. એમાં આ વખતે પ્રથમ વખત પુરુષોને પણ સહભાગી બનાવવામાં આવશે. આ ઉપરાંત દૈનિક આહારમાં ખાંડ તથા તેલના સેવનનું પ્રમાણ ઘટાડવાની બાબતને પણ અભિયાન દરમિયાન લક્ષ્ય આપવામાં આવશે. બીજા અભિયાન સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ગામેગામ આરોગ્ય કેમ્પ યોજાશે. જેમાં ૩૧૦૭ જેટલા હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પ ઉપરાંત ૨૩૯ જેટલા તજજ્ઞ તબીબોના કેમ્પ યોજાશે. 

જેમાં સ્ત્રી રોગ, બાળ રોગ, આંખના રોગ, હાડકાના રોગના તબીબોની સેવા આપવામાં આવશે. જિલ્લાના ૧૭૭ આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર, ૪૨ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૯ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ૯ અર્બન આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર અને ૨ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સહિત જિલ્લાની હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છોત્સવ નામે ત્રીજા અભિયાન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માધ્યમથી તમામ ગામોમાં ગાંધી જયંતી સુધી સઘન સફાઇ ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જાહેર સ્થળો, પ્રતિમાઓ, જાહેર શૌચાલયો, કચેરીઓ, માર્ગોની સફાઇ કરવામાં આવશે. ક્લિન્લીનેસ ટાર્ગેટ યુનિટ નિયત કરવામાં આવશે. એ સ્થળોને વિશેષ સફાઇ હાથ ધરવામાં આવશે. તા. ૨૫ના રોજ પંડિત દીનદયાલજીના જન્મ દિને શ્રમદાન શિબિરો પણ યોજાશે. જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બાજવા ખાતે આ કાર્યક્રમનો જિલ્લા વ્યાપી આરંભ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, ડીઆરડીએ નિયામક પારેખ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણ, જિલ્લા કાર્યક્રમ અધિકારી સાવિત્રી શ્રીનાથજી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post