વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે.લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહે પ્રાઉડ વોટર ક્ટ આઉટનું જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાની ઉપસ્થિતિમાં લોન્ચિંગ કર્યું હતું.શહેરના નામાંકિત કલાકાર શ્રી સચિન કાલુસ્કર અને પ્રણવ કોઠારીએ આ આ પ્રાઉડ વોટર કટ આઉટ તૈયાર કર્યું છે.
વડોદરા કલેકટર કચેરી નજીક આવેલા યોગા સર્કલની ચારે દિશામાં આ કટ આઉટ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.જેના થકી આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી બીજલ શાહે લોકશાહીના આ મહાઉત્સવમાં વડોદરા શહેરના મતદારોને સહભાગી થઈ મહત્તમ મતદાન કરી આ અવસરને દીપાવવા ખાસ અનુરોધ કર્યો છે.ગરમીની સિઝનને ધ્યાને રાખી મતદાન મથકો ખાતે મતદારો માટે જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, કલાકાર શ્રી સચિન કાલુસ્કર અને પ્રણવ કોઠારી,સ્વિપના કો - ઓર્ડીનેટર ડો.સુધીર જોષી,નાયબ મામલતદાર અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus