વડોદરા: શહેર અને નજીકના વિસ્તારમાં નિયત સમયનો પ્રતિબંધ હોવા છતાં કાળમુખા ડમ્પરો દોડતા રહે છે તેને કારણે નાના મોટા અકસ્માત સર્જાતા રહે છે.

હનુમાન જયંતીના દિવસે સવારે બિલથી ચાપડ તરફ જતા રોડ પરના વળાંક પર આવેલા મકાનમાં ડમ્પર ઘૂસી જતા સહેજ માટે રહી ગયું હતું તેને કારણે મોટો અકસ્માત અટકી ગયો હતો. જોકે વિફરેલા રહીશોએ રોડ પર દોડતા ડમ્પરોને અટકાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શહેર અને નજીકના વિકાસ માટે ડમ્પરો સહિતના વાહનો આવનજવન કરતા હોય છે. ટ્રાફિક નિયમન માટે આવા ભારદારી વાહનોને દોડાવવા માટે સમય નિયત કરવામાં આવ્યો છે. તેમ છતાં ગેરકાયદે વાહનો દોડતા રહે છે અને નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.
પવિત્ર હનુમાન જયંતીના શનિવારના દિવસે બિલથી ચાપડ જવાના રોડ પર કાળમુખુ ડમ્પર સવારે જઈ રહ્યું હતું ત્યારે ચાલકે પોતાના ડમ્પર પરનો કાબુ ગુમાવ્યો હતો. તેને કારણે ડમ્પર નજીકના મકાન તરફ ધસી ગયું હતું. સદનસીબે ચાલકથી બ્રેક લાગી જતા જોરદાર અવાજ સાથે ડમ્પર અટકી ગયું હતું. જોકે જોનારના જીવ ઉભડક થઈ ગયા હતા. અને વાહન ચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગભરાયેલા મકાનના રહીશો બહાર ધસી આવ્યા હતા. લોકોએ કાળમુખા ડમ્પરોને આગળ વધતા અટકાવી દીધા હતા. અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં 19 જેટલા બ્લેક સ્પોટ અકસ્માત ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમ છતાં અકસ્માતો રોકવામાં ટ્રાફિક પોલીસ તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. અત્યારે પોલીસ દ્વારા ડમ્પરચાલક સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin