ધારાસભ્ય હોય કે સામાન્ય નાગરિક, કાયદાનું શસ્ત્ર તમામ માટે સરખું ચાલવું જોઈએ
મીડિયા હાઉસ–ધારાસભ્ય જમીન વિવાદ ગરમાયો; કલેક્ટરે તપાસના આદેશ.
અટલાદરા ગૌચર દસ્તાવેજો સામે આવતા વિવાદ તીવ્ર: કોર્પોરેટર રજૂઆત બાદ કલેક્ટર સક્રિય.
શહેરમાં નામાંકિત મીડિયા હાઉસ અને ધારાસભ્ય વચ્ચે જમીનના મામલે ચાલી રહેલો વિવાદ હવે વધી ગયો છે. આ મામલે કલેક્ટરે પ્રાંત અધિકારીને પત્ર લખ્યો છે. પત્રમાં જણાવાયું છે કે મોજે અટલાદરા, રે.સ.નં. ૫૮૫ પૈકી, ટી.પી.નં. ૨૮, એફ.પી.નં. ૯૦/૧ની સરકારી ગૌચરની જમીનનું વડોદરા મહાનગરપાલિકાએ ખોટી રીતે વેલીડેશન કરી ખાનગી વ્યક્તિને સોંપી હોવાની રજૂઆત મળી છે. ત્યારબાદ અન્ય ભૂમાફિયાઓ દ્વારા ખેડૂત પાસેથી દસ્તાવેજ પર દસ્તાવેજ કરી કરોડો રૂપિયાની આ જમીન વેચી નાખવામાં આવી હોવાનું કોર્પોરેટર આશિષ જોશીએ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ સાથે લેખીત રજૂઆત કરી છે.કલેક્ટરનાં પત્રમાં કહેવાયું છે કે આ અંગે તપાસ કરી, જો સવાલવાળી જમીન સરકારી હોય અને તેમાં લેન્ડ ગ્રેબિંગ જણાય, તો તેની વિગતવાર દરખાસ્ત મોકલવી. અન્યથા, આપની કક્ષાએથી નિયમો મુજબની જરૂરી કાર્યવાહી કરી સંબંધિતોને પ્રત્યુત્તર આપવો.
ઉલ્લેખનીય છે કે આ જ જમીન વિવાદમાં અગાઉ નિવાસી અધિક કલેક્ટરે મામલતદાર (પૂર્વ) અને મામલતદાર (પશ્ચિમ)ને પત્ર લખ્યો હતો. આ પત્ર 13 ઓક્ટોબરના રોજ લખાયેલો છે. પત્રમાં અટલાદરા વિસ્તારમાં પ્લોટ વેલીડેશન બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. નિવાસી અધિક કલેક્ટરના પત્રમાં જણાવાયું છે કે મોજે અટલાદરા, રે.સ.નં. ૫૮૫ પૈકી, ટી.પી.નં. ૨૮, એફ.પી.નં. ૯૦/૧ની સરકારી જમીનમાં પ્લોટ વેલીડેશન કરવાની બાબત સંદર્ભિત છે, જેમાં વડોદરા મહાનગરપાલિકા — વિભાગ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરના પત્રનો ઉલ્લેખ છે.પત્રમાં જણાવાયું છે કે મહાનગરપાલિકાના પત્ર અનુસાર મોજે અટલાદરા, તા.જી. વડોદરા, રે.સ.નં. ૬૨૨/૧ની બાકી રહેતી જમીન રોડમાં જતી હોય, તો તેની એફ.પી. ફાળવણીનું વેલીડેશન રે.સ.નં. ૫૮૫માં કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ મહાનગરપાલિકાએ સરકારી જમીન અંગે કોઈ સમંતિ ન હોવાનું જણાવી દીધું છે. તેથી સરકારી જમીનના મુદ્દે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. આ પત્ર સાથે મહાનગરપાલિકાની નકલ સામેલ છે. અધિક નિવાસી કલેક્ટરે આ પત્ર 13 ઓક્ટોબરે લખ્યો હતો.
મહાદેવ કેસ ઝડપથી, તો આ ગૌચર જમીનમાં વિલંબ શા માટે?”
મારો સવાલ એ છે કે મહાદેવ મંદિરની લેન્ડ ગ્રેબિંગની સુનાવણી જો તત્કાળ એક અઠવાડિયામાં થઈ શકે, તો આ સરકારી ગૌચર જમીનમાં તો દસ્તાવેજ પર દસ્તાવેજ થયેલા છે—અને છતાં તેની તપાસનો ખેલ કેમ ચાલી રહ્યો છે? આ તો સંપૂર્ણ રીતે કલેક્ટરના પાવરમાં આવતું મુદ્દો છે. જો મહાદેવ મંદિરની લેન્ડ ગ્રેબિંગ ફરિયાદની તત્કાળ સુનાવણી થઈ શકે, તો સરકાર આ જમીન વિવાદમાં કોની રાહ જોઇ રહી છે? આ તો રેકોર્ડ પરના દસ્તાવેજોનું પ્રકરણ છે. ખુદ કલેક્ટર કચેરી જાહેર કરી ચૂકી છે કે આ સરકારી ગૌચર જમીનનો મામલતદાર કબજો લઈ લે. તો પછી આ લાંબી તપાસ શા માટે?”
— આશિષ જોશી, કોર્પોરેટર
Reporter: admin







