અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 28 ભારતીય નાગરિકોના મૃત્યુ થયા હતા. આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો.

તો બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની અટકાયત કરવામાં આવી હતી. ગત રોજ (ફરી એકવાર )પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસ દ્વારા છેક હવે કાર્યવાહી કરવામાં આવતા લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે તંત્રના નાક નીચે વર્ષોથી આટલું ગેરકાયદે બાંધકામ કઈ રીતે ચાલતું હતું? અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓ ની વસાહત માટે કુખ્યાત છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે.

અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. 40 JCB અને AMCના 30 ડમ્પર તૈનાત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ 1000થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં ડિમોલીશનની કામગીરી કરવામાં આવશે. તો બીજી તરફ મેગા ડિમોલીશન પર 10થી વધુ ડ્રોનની નજર રહેશે.અમદાવાદના ચંડોળા તળાવમાં ઊંડા ખાડા ખોદી રમાતું જુગારધામ ઝડપાયું હતું.આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો ખડકી દેવાયા છે. હવે આ બાંધકામોને ધ્વસ્ત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. મોડીરાતથી જ ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારે 5ઃ30થી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવા મળ્યો છે.
Reporter: admin







