અજમેર: અયોધ્યામાં બાબરી મસ્જીદ-રામ મંદિર વિવાદે દેશનાં રાજકારણમાં મોટા બદલાવ લાવ્યા હતા, આ વિવાદના નિરાકરણ બાદ અન્ય જગ્યાઓએ પણ નવા વિવાદ ઉભા કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જીદ, મથુરાની શાહી ઈદગાહી મસ્જીદ, સંભલની જામા મસ્જીદની જગ્યાએ મદિર હોવા દાવાઓ થઇ ચુક્યા છે, એવામાં હાલમાં જ અજમેર શરીફ દરગાહના સર્વેની માંગ કરવામાં આવી છે. જેને કારણે ઉભો થયેલો વિવાદ ભવિષ્યમાં વધુ વેગ પકડે તેવી શક્યતા છે.
અજમેર શરીફ દરગાહના સર્વેની માંગ કરતી અરજી કોર્ટમાં સ્વીકારવામાં આવી છે. હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે અજમેર શરીફ દરગાહની જગ્યા પર શિવ મંદિર હતું. કોર્ટે આ અરજી સ્વીકારતા લોકોમાં રોષનો માહોલ છે, કેમ કે શરીફ દરગાહનું ધર્મિક, સંકૃતિક અને સામાજિક મહત્વ છે.
અજમેર શરીફની દરગાહ સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની સમાધિ છે. તેમને ગરીબ નવાઝ પણ કહેવામાં આવે છે. તેમના ઉર્સ પર હજારો લોકો ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર પહોંચે છે. અહીં આવતા વર્ષે જાન્યુઆરીમાં 813મો ઉર્સ ઉજવવામાં આવશે. આહેવાલ મુજબ મુઘલ બાદશાહ અકબર પણ ખ્વાજા અજમેર શરીફની દરગાહ પર આવતા હતા.
અજમેર શરીફની દરગાહ માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાંથી લોકો આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે દરગાહ પર ચાદર મોકલે છે.
માર્ચ 2016માં વર્લ્ડ સૂફી ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 20 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના શબ્દોમાં કહીએ તો, નિરાધાર અને શોષિત લોકોની મદદ કરવી એ ઈશ્વરને સૌથી વધુ ગમતી ઈબાદત છે.”
વડાપ્રધાને કહ્યું હતું કે સૂફીવાદ શાંતિ, કરુણા અને સમાનતાનો અવાજ છે અને તે ભાઈચારાની વાત કરે છે. સૂફીવાદનો સંદેશ માત્ર આતંકવાદ સામે લડવા પૂરતો સીમિત નથી પરંતુ તેમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’નો વિચાર પણ સામેલ છે.
Reporter: admin







