News Portal...

Breaking News :

આરટીઓ દ્વારા પરમિટ આપવામાં આવે તેવી માંગ

2024-06-17 17:19:35
આરટીઓ દ્વારા પરમિટ આપવામાં આવે તેવી માંગ


સ્કુલ વાન ચાલકોએ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો


રાજકોટ અગ્નિકાંડ પછી સફાળા જાગેલા વડોદરા આરટીઓ અને ટ્રાફિક પોલીસે સ્કુલ વાન ચાલકો સામે તવાઈ બોલાવી હતી. જેને કારણે સ્કુલ વાન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. હાલમાં શહેરમાં ઘણા સ્કુલ વાન ચાલકો છે જેમને આરટીઓ દ્વારા પરમિટ અપાયા નથી. ઉપરાંત, આરટીઓએ નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે જ સ્કુલ વાનો ચાલતી હોવા છતાંય અધિકારીઓ એમને કારણ વિના પરેશાન કરી રહ્યા છે. આવા ઘણા પ્રશ્નોના ઉકેલ માટે સ્કુલ વાન ચાલકો આજે માંજલપુર વિસ્તારના કંચન બાગમાં ભેગા થયા હતા અને તેમણે આરટીઓ તથા ટ્રાફિક પોલીસ સામે બળાપો ઠાલવ્યો હતો.સ્કુલ વાન ચાલકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, 17મી જૂનથી સ્કુલોનું નવુ શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચુક્યુ છે. 


પણ હજી સુધી આરટીઓએ સ્કુલ વાન ચાલકોને પરમિટ ઈશ્યૂ કર્યા નથી. ઉપરાંત, એક સ્કુલ વાનમાં માત્ર 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેવો નિયમ આરટીઓએ જણાવ્યો છે. પણ ઘણી વખત 14થી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ બેસાડ્યા હોવા છતાંય એમને દંડિત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત, સ્કુલ વાન ચાલકો જાણે મોટા ગુનેગાર હોય તેવી રીતે તેમની સાથે અણછાજતુ વર્તન કરવામાં આવી રહ્યુ છે. જો, આરટીઓ અને ટ્રાફિક પોલીસ સ્કુલ વાન ચાલકોને હેરાન પરેશાન કરશે તો એમનો વિરોધ કરવામાં આવશે. સ્કુલ વાન ચાલકોએ આજે સંગઠિત થઈને એમની સામે થઈ રહેલી કાર્યવાહીનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો.

Reporter: News Plus

Related Post