વડોદરા : તાજેતરમાં જ સુરતમાં બે વર્ષના માસૂમનું ખુલ્લી ડ્રેનેજમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. આ બાળકને શોધખોળ માટે 24 કલાક જેટલો સમય લાગ્યો અને આ તંત્રના પાપે આજે એક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવ્યો છે.

વડોદરામાં તંત્રની કામગીરીની માપણી કરવા રસ્તા પર રિયાલિટી ચેક કરવામાં આવતા અહીં પણ ઠેર-ઠેર ખુલ્લી ડ્રેનેજ, ડ્રેનેજ પર ફિટ કરેલી લોખંડની ઝાળી કટાયેલી સ્થિતિમાં જોવા મળી હતી.વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેનના પૂર્વ વિસ્તારમાં જ પોલમપોલ સામે આવી છે. સુરતની ઘટના બાદ વડોદરામાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રની આંખો ઉઘાડે તે માટે રિયાલિટી ચેક કર્યું હતું. ત્યારે વડોદરાના સરદાર એસ્ટેટથી લઈ વૃંદાવન સુધી વીઆઈપી રોડ, વારસિયા રોડ સહિતના વિસ્તારમાં આ સ્થિતિ જોવા મળી છે.કોન્ટ્રાક્ટરોની ખોદકામ બાદ તે કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી સમય મર્યાદામાં શા માટે નક્કી કરવામાં આવતી નથી?ડ્રેનેજના ઢાંકણ સાથે શહેરના વિવિધ માર્ગો પર ખાનગી કંપનીઓ અને કોર્પોરેશન દ્વારા પાણીના પ્રેસર, ડ્રેનેજ કામગીરી સાથે અન્ય કામગીરી માટે ખોદેલા ખાડા સમયસર સમારકામ બાદ શા માટે પુરવામાં આવતા નથી?, કેટલીક જગ્યાએ તો બેરીકેટિંગ પણ જોવા નથી મળ્યું. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની આંખો ક્યારે ઊઘડે તે સૌથી મોટો સવાલ છે.
અહીંયા ન માત્ર ડ્રેનેજ પરંતુ ઠેક ઠેકાણે આંતરિક રસ્તાની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે.એક રાહદારી એ કહયું હતું કે,ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાના કારણે દેખાઇ રહ્યો છે. બે વર્ષનું બાળક સુરતમાં મૃત્યુ પામ્યું તે માત્ર પ્રશાસનની ભૂલના કારણે થયું છે એ સ્થિતિ વડોદરામાં પણ છે. અમે અહીંયાથી જઈએ છીયે, આવીએ છીયે ત્યારે અમારી જાનને પણ ખતરો છે. પ્રશાસનના તો બેરિકેટ મૂકે છે ના તો ઢાંકણ મુકે છે. ડભોઈ દશાલાડ ભવનથી એકતાનગર તરફનો આખો રોડ ખોદી નાખ્યો છે. અહીંયા 1500 જેટલા મકાનો છે છતાં કોઈપણ જાતની સુરક્ષા નથી.વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગેની સૂચનાઓ અમે આપી છે. જ્યાં પણ ડ્રેનેજ ખુલ્લી હશે તે સંબંધિત અધિકારીને જાણ કરી છે.વડોદરાના નાગરિકો પાલિકામાં હેલ્પલાઈન અને ઓનલાઈ કમ્પ્લેન કરે છે. તે કમ્પ્લેન પર નજર કરી તો અંદાજિત એક મહિનામાં વડોદરામાં નાગરિકોએ જ્યાં અસુવિધાઓ થાય તેવી 9 હજારથી વધુ કમ્પ્લેન કરી છે. જેમાં ડ્રેનેજ, રોડ રસ્તા, સ્ટ્રીટલાઈટ, ડિવાઈડર, પાણી સહિત તમામ અંગે નાગરિકો પોતાની વાત કરતા હોય છે, પરંતુ પગાર લેતા અધિકારીઓ આ કમ્પ્લેન જોઈ સોલ્યુશન લાવે છે કે કેમ તેના પર અનેક સવાલો થઈ રહ્યા છે?. કારણ કે આ અંગે નાગરિકો કમ્પ્લેન તો કરે છે પરંતુ તેનો કોઈ નિવેડો આવતો નથી.
Reporter: admin