સુરત : મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણા માંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે.
આજે માસુમ મૃત્યુ પામેલા બાળકની અંતિમ વિધિ હાથ ધરાઈ હતી.વરસાદી ગટરમાં પડેલા બાળકનો 24 કલાક બાદ દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ મળ્યો હતો. મૃતદેહ સ્મીમેરમાં લઈ જવાતા પરિવારે કસુરવાર અધિકારીઓ સામે ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. પરિવાર અને સમાજની આજીજી બાદ આક્રોશ સાથે ધરણા પર બેસતા આખરે અમરોલી પોલીસે પાલિકાના ગટર વિભાગના જવાબદાર અધિકારી-કર્મચારી વિરુદ્ધ સાપરાજ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. ઘટનાના 40 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર જવાબદારી કોની હતી તે નક્કી કરી શક્યું નથી. ઘટનામાં ચાર અધિકારીને પાલિકાએ માત્ર નોટિસ આપી છે.
સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં સુમન સાધના આવાસમાં રહેતો કેદાર શરદભાઈ વેગડ (ઉં.વ.2) માતા સાથે 5 ફેબ્રુઆરીની સાંજે 5.30 વાગ્યે બુધવારીમાં ગયો હતો. એ દરમિયાન આઇસક્રીમ ખાવા માટે જીદે ચડેલા કેદારે માતાનો હાથ છોડાવી દોડ મૂકી હતી. એ દરમિયાન 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી સ્ટોર્મ લાઈનમાં કેદાર ખાબક્યો હતો. 5 ફેબ્રુઆરીની રાતથી ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટોર્મ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ન મળી આવ્યું નહોંતુ. 6 ફેબ્રુઆરીને બીજા દિવસે ફાયર બ્રિગેડના 50 જેટલા જવાનો ફૂલ પાણીના પ્રવાહ વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે ગટરમાં ઊતર્યા હતાં અને શોધખોળ શરૂ કરી હતી. જે બાદ પણ કેદાર ન મળતા અંતે વડોદરાથી NDRFની ટીમને સુરત બોલાવવામાં આવી હતી.
Reporter: admin