નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, થોડા દિવસ પહેલા મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકો માર્યા ગયા હતા.
હું તેમને શ્રદ્ધાંજલિ આપું છું. એનડીએના સાંસદોએ તેમના ભાષણનો વિરોધ કર્યો હતો. રાજ્યસભાના ચેરમેન જગદીપ ઘનખડે પણ ખડગેને નિવેદન પરત લેવા કહ્યું હતું. રાજ્યસભામાં હોબાળા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, 'હું કોઈના પર આરોપો નથી લગાવી રહ્યો પરંતુ, મારું અનુમાન છે કે જે પ્રકારની મહાકુંભની તસવીરો સામે આવી છે તેને જોઈને લાગે છે કે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો મારુ નિવેદન ખોટું હોય તો સરકાર આંકડા જારીને કરીને મને ખોટો સાબિત કરે, હું માફી માંગવા તૈયાર છું. સરકારે કેટલા લોકો માર્યા ગયા છે અને કેટલા ગુમ થયા છે તે મામલે આંકડા રજૂ કરવા જોઈએ.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને દાવો કર્યો હતો કે, દુર્ઘટના બાદ શ્રદ્ધાળુઓના મૃતદેહોને નદીમાં ફેકી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, મહાકુંભમાં નાસભાગ બાદ નદીમાં મૃતદેહો ફેંકવામાં આવતા પાણી પ્રદુષિત થયું છે. આ સમયે સૌથી પ્રદુષિત પાણી મહાકુંભમાં જ છે અને ભાજપના સભ્યો જળશક્તિ પર ભાષણો આપી રહ્યાં છે. જ્યારે, યોગી આદિત્યનાથ સરકાર પર આરોપ લગાવતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું કે, યુપી સરકારે દાવો કર્યો હતો કે, મહાકુંભમાં ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ આવવાના છે. પરંતુ, વ્યવસ્થા ૧૦૦ કરોડ ભક્તોને ધ્યાને લઈને કરવામાં આવી છે. જો ફક્ત ૪૦ કરોડ ભક્તો જ આવ્યા છે તો અવ્યવસ્થા કેવી રીતે સર્જાઈ? સરકાર ૫ થી ૧૦ કરોડ શ્રદ્ધાળુઓને પણ સંભાળી શકી નહીં. તેમણે વધુમાં કહ્યું કે, કોઈ મૃતદેહ પર ૫૮ તો કોઈ પર ૬૪ નંબર લખ્યો હતો અને ૧,૫૦૦ શ્રદ્ધાળુઓ ગુમ છે ત્યારે, આંકડા છુપાવવાની વાત દુ:ખદ છે.
Reporter: admin