મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા, મેક્સિકો અને ચીન ઉપર વધારાના ટેરિફ લાદયા હતા અને યુરો ઝોન ઉપર ટૂંક સમયમાં ટેરિફ લાદવામાં આવશે એવું જણાવતા વૈશ્વિક ફાઈનાન્સિયલ, કરન્સી અને કોમોડીટી માર્કેટમાં અફરતફરી જોવા મળી રહી છે.
વિશ્વના છ ચલણો સામે અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. ડોલરની મજબૂતાઈના કારણે ભારતીય ચલણ રૂપિયો ઈતિહાસમાં પ્રથમ વખત ૮૭ની સપાટી તોડી વધારે નીચે પટકાઈ ૮૭.૨૯ થઇ ૮૭.૧૭ની સપાટીએ બંધ આવ્યો હતો. ડોલર સામે મેકિસકન પેસો, ચીનનો યુઆન પણ વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યા હતા. આ ઉપરાંત, કેનેડીયન ડોલર, સ્વીસ ફ્રાંક, યુરો અને બ્રિટીશ પાઉન્ડ પણ તૂટયા હતા.ચીનનો યુઆન ઓફશોર ટ્રેડીંગમાં ૭.૩૩૧૪ની સપાટીએ બંધ રહ્યો હતો જે અગાઉ વિક્રમી રીતે ૭.૩૭૬૫ની સપાટીએ પહોંચ્યો હતો. યુરો ૨.૩ ટકા ઘટી ૧.૦૧૨૫ની નવેમ્બર ૨૦૨૨ પછીની સૌથી નીચી સપાટીએ હતો. ઓસ્ટ્રેલીયન ડોલર પાંચ વર્ષની નીચી સપાટીએ અને ન્યૂઝીલેન્ડ ડોલર અઢી વર્ષની નીચી સપાટીએ પટકાયા હતા. મેક્સિકન પેસો ૨૧.૨૮૮૨ની સપાટીએ અને કેનેડીયન ડોલર એક તબક્કે ૨૧ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યા પછી ૧.૪૬૨ની સપાટીએ જોવા મળ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં તેના ડોલરના ભાવ વધુ ઉછળી રૂ.૮૭ની સપાટી કુદાવી જતાં રૂપિયો ગબડી નવા નીચા તળીયે ઉતરી ગયો હતો. શેરબજાર ફરી તૂટતાં તથા વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેમની વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉછળતાં મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયામાં ઝડપી કડાકો બોલાઈ ગયો હતો. ડોલરના ભાવ રૂ.૮૬.૬૨ વાળા જે શનિવારે બંધ બજારે વધી રૂ.૮૬.૭૨ થયા હતા તે આજે સવારે રૂ.૮૭ની ઉપર રૂ.૮૭.૦૨ ખુલી ઉંચામાં ભાવ રૂ.૮૭.૨૯ થયા પછી છેલ્લે બંધ ભાવ રૂ.૮૭.૧૭ રહ્યા હતા. ડોલરના ભાવ આજે ૫૭ પૈસા ઉછળતા ડોલર સામે રૂપિયો ૦.૬૬ ટકા એક જ દિવસમાં તૂટી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ડોલર ઉછળતાં દેશમાં આયાતી થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી છે તથા તેના પગલે ઘરઆંગણે મોંઘવારી તથા ફુગાવો વધુ વકરવાની ભીતી જાણકારો બતાવતા હતા. ડોલર વધતાં દેશના નિકાસકારોને ફાયદો થવાની ગણતરી પણ જાણકારો બતાવી રહ્યા હતા.
Reporter: admin