શહેર પાલિકાના પદાધિકારીઓના અંદરો અંદરના ગજગ્રાહને ઉજાગર કરતી એક બાબત ફરીથી સામે આવી છે.પાલિકાના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સીસીટીવી કેમેરાનું એક્સેસ આપવાને લઈને હવે નવો વિવાદ સર્જાયો છે.
મહત્વનું છે કે પાલિકા પ્રિમાઇસમાં સીસીટીવી કેમેરાને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.આ કેમેરાનું મોનિટરિંગ સીધી રીતે દેખી શકાય તે માટે તેના એક્સેસ પાલિકાના મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને મળતા પાલિકાના ડેપ્યુટી મેયર અને દંડક નારાજ થયા છે તેઓએ આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરતા પાલિકાના મેયરે તાત્કાલિક તમામ હોદ્દેદારોની બેઠક બોલાવી છે.એક તરફ ચર્ચા એવી ચાલે છે કે પાલિકામાં થઈ રહેલી કામગીરીને લઈને મેયર તેમજ સ્થાયીના ચેરમેન જાસૂસી કરી રહ્યા છે ,જે યોગ્ય નથી જોકે આ બાબતે મેયર પિન્કી સોનીએ જણાવ્યું હતું કે મારા પહેલાના જે મેયરો હતા તેઓએ પણ કેમેરાના એક્સેસ લીધા છે.એક્સેસ લેવા પાછળ કોઈની જાસુસી કરવાની કે નજર રાખવાનો ઉદ્દેશ નથી. બીજી તરફ પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટએ જણાવ્યું હતું કે મેયર અને સમિતિના ચેરમેન દ્વારા એક્સેસ લેવામાં આવ્યા છે તેનો વિરોધ નથી પરંતુ આ અંગે અમને જાણ કરવી જોઈતી હતી જે કરવામાં આવી નથી તે યોગ્ય નથી. મને કેમરા એક્સેસની જરૂર નથી અને મારે એ જોઈતા પણ નથી. અત્રે મહત્વનું છે કે પાલિકામાં પ્રતિદિન હજારો લોકોની અવરજવર થતી હોય છે ત્યારે એક ઘટના દરમિયાન મેયર પિન્કી સોની ને મળવા માટે એક મોરચો પાલિકા ખાતે આવ્યો હતો .મોરચાની હાજરી દરમિયાન મેયર એક અગત્યની મીટીંગમાં વ્યસ્ત હોવાને કારણે મોરચામાં સામેલ અનેક લોકોને ત્રણ કલાકથી વધારે સમય સુધીને મેયરની રાહ જોવી પડી હતી. આ ઘટનાના થોડા સમય બાદ મેયર જ્યારે પાલિકાના સેક્રેટરી ચિંતન દેસાઈની ઓફિસે ગયા હતા ત્યારે તેમને જોયું હતું કે સેક્રેટરીની ઓફિસમાંથી આખી પાલિકા પર સીસીટીવીના માધ્યમથી નજર રાખી શકાય એમ છે.
અગાઉ પણ પાલિકાના મેંયરો દ્વારા સીસીટીવીના એક્સેસ લેવામાં આવ્યા હતા. જેથી તેઓએ પણ સેક્રેટરી સમક્ષ સીસીટીવી કેમરાના એક્સેસ મળી શકે એ અંગે ઈચ્છા વ્યક્ત કરી હતી. મેયરનું સ્પષ્ટ કહેવું છે કે આ એક્સેસ લેવા પાછળનું કારણ માત્ર એ છે કે હું કોઈ મિટિંગમાં હોવ તો મને ખ્યાલ આવે કે બહાર મારી પ્રીમાઈસીસમાં કેટલા લોકો કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે પદાધિકારીઓ પાસે રહેલા એક્સેસને લઈને પાલિકામાં હવે વિવાદ છેડાયો છે. ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં મૂકવામાં આવેલા સીસીટીવીથી ક્યાંક મેયર દ્વારા જાસુસી થઈ રહેલ હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી મેયરની ચેમ્બરમાં લગાડવામાં આવેલ સીસીટીવીનો સીધો વ્યુ મેયર આરામથી જોઈ શકે તેમ છે ,બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાસે પણ આ એકેસસ હોવાને લઈને ડેપ્યુટી મેયર અને દંડક નારાજ થયા છે. છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે ગજગ્રા ચાલતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પાલિકામાં પણ ઘણા એવા બનાવો દરમિયાન મેયરને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાના એક્સેસને લઈને ફરી એકવાર પાલિકાની જૂથબંધી સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં કોઈપણ આકસ્મિક ઘટનાઓ બને ત્યારે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ અને તેના એક્સેસ અને જરૂરી ડેટા ખૂબ અગત્યના પુરવાર થાય તેમ હોય વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રીમાઈસીસમાં સીસીટીવી કેમેરાનું ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. હવે આ જ સીસીટીવી કેમેરા પાલિકામાં વિવાદનું કારણ બન્યા છે.આવનારા સમયમાં પાલિકાના સત્તાધીશો દ્વારા એવું નક્કી કરવામાં આવે કે તમામ પાંચે પાંચ પદાધિકારીઓને સીસીટીવી કેમેરાના એક્સેસ આપી દેવામાં આવે તો એ બાબતે નવાઈ નહિ હોય.
Reporter: admin