વલસાડ: ભાજ૫ની ગેરંટી વાળી વિકાસશીલ સરકારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા નેતાજીની વાડીમાંથી વશિયર સુધી આશરે રૂ. 3.80 કરોડના ખર્ચે વાંકી નદી નજીક પુલ બનાવવાનું શરૂ કરતા ચકચાર મચી છે.
હાલ જે પુલ બની રહ્યો છે ત્યાંથી કોઈ અવર જવર જ નથી અને માત્ર અડધો કિલોમીટરના અંતરે જ વાંકી નદી પર પુલ છે.મોટા નેતાને ફાયદો કરાવવા માટે પુલ બનાવી રહ્યા હોવાની શક્યતા આ પુલ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બની રહ્યો છે. ભાજપના આ નેતાના સંબંધો અનેક મોટાં મંત્રીઓ અને નેતાઓ સાથે છે જેને લઈ આ વાડી કે અન્ય આજુબાજુની વાડીઓ કોઈ મંત્રી કે ભાજપનાં મોટા નેતાની પણ હોય તો પણ તેઓને ફાયદો કરાવવા માટે પુલ બનાવી રહ્યા હોય તેવી શક્યતા નકારી શકાતી નથી.વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પોતાના મળતિયા બિલ્ડરો હોય કે મોટી ટોપી હોય તેઓને ફાયદો કરાવવા માટે નવા ડામર રોડ કે ગટર લાઇન નાંખી આપી પોતાનું ધાર્યું કરી લેતાં હોવાનાં અનેક વખત આક્ષેપો અને ચર્ચાઓ થતી રહી છે.
પણ આ વખતે કહેવાય છે કે ભાજપનાં માજી જિલ્લા પ્રમુખ અને દમણગંગા શુગર ફેકટરીના ચેરમેન હર્ષદ કટારીયા માટે સીધો તેમની વાડીમાં જવા રૂ.3.80 કરોડના ખર્ચે નવો પુલ બનાવવાનું શરૂ કર્યું છે. આમ તો વલસાડ તાલુકામાંથી પસાર થતો કોસ્ટલ હાઈ-વે ભગોદ ગામ પછી બન્યો જ નથી જ્યારે આ કોસ્ટલ હાઈ-વેને નનકવાડા સિવિલ રોડથી આર.પી.એફ. મેદાન સુધી ડાઈવર્ટ કરી આ રસ્તા પર અનેક બિલ્ડરના ફાર્મ હાઉસ અને પ્રોજેક્ટને ફાયદો કરાવ્યો હોવાનાં આક્ષેપો બાદ પણ અધૂરો કોસ્ટલ હાઈ-વે હજી સુધી બનાવવામાં આવ્યો નથી, જે શંકાસ્પદ બાબત છે. લીલાપોરથી ભગોદ સુધીનો 13 કિમીનો કોસ્ટલ હાઈ-વે બનાવવાને બાકી છે ત્યારે વલસાડના નનકવાડા જતા સિવિલ રોડ ઉપર આવતા વાંકી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી વિવાદમાં આવી છે.
Reporter: admin