નવાયાર્ડ, લાલપુરા શહેર કોર્પોરેશનની ધીમી અને બેદરકારીભરી કામગીરીનો આજે વધુ એક યુવક ભોગ બન્યો છે.

નવાયાર્ડ લાલપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા 12 દિવસ પહેલા ખોદવામાં આવેલા અને લાંબા સમયથી ખુલ્લા રહેલા એક ખાડામાં 35 વર્ષીય કલ્પેશ પટેલ ગંભીર રીતે પડતાં તેને જીવલેણ ઇજાઓ પહોંચી છે. હાલમાં યુવક કલ્પેશ પટેલ સયાજી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં કોર્પોરેશન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..આ ગંભીર ઘટનાની જાણ થતાં જ વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ખુલ્લા ખાડાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી કોર્પોરેશનના વહીવટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ આ બનાવ માટે સીધેસીધું કોર્પોરેશનને જવાબદાર ઠેરવ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે, "કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહી અને કામમાં ધીમી ગતિ જ આ અકસ્માતનું મૂળ કારણ છે. જો સમયસર કામ પૂરું થયું હોત કે યોગ્ય બેરીકેડિંગ કરાયું હોત તો આજે કલ્પેશ પટેલ હોસ્પિટલના બિછાને ન હોત. યુવકની સારવારનો તમામ ખર્ચ કોર્પોરેશને ઉઠાવવો પડશે અને આ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ.નવાયાર્ડ વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે, વારંવાર રજૂઆતો કરવા છતાં કોર્પોરેશન દ્વારા આ ખાડો પૂરવામાં કે તેની ફરતે સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા નહોતા. એક સામાન્ય નાગરિકની જિંદગી જોખમમાં મૂકનાર આ બેદરકારી પર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ શું કાર્યવાહી કરે છે, તે જોવું રહ્યું. કલ્પેશ પટેલના પરિવારજનો હાલમાં ન્યાયની અને તંત્ર તરફથી મળનારી આર્થિક સહાયની રાહ જોઈ રહ્યા છે.

Reporter: admin







