ઐતિહાસિક વારસા એવા માંડવી દરવાજાની જાળવણી કરવામાં કોર્પોરેશનને હવે કોઇ રસ નથી તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

છેલ્લા 10 દિવસથી જર્જરિત પિલરનું કામ પૂરું થઇ ગયું છે, પરંતુ કામ કરનાર કોન્ટ્રાક્ટર સવાણી એસોસિએટ્સે માંડવી દરવાજાને જાણે કે ગોડાઉન બનાવી દીધું છે, જેના કારણે ત્યાં ગંદકી ફેલાઈ રહી છે.સવાણી એસોસિએટ્સ પોતાનું મટીરીયલ ત્યાં જ રાખીને જતા રહ્યા છે અને હટાવતું નથી. આજે આ સમાચાર પ્રકાશિત થતાં જ સવારે થી સવાણીના માણસોએ બધું કપડાં વડે ઢાંકી દેવાનું કામ કર્યું છે. તેમ છતાં, રેતી, ઈંટો, ચૂનાની થેલીઓ, સેન્ટરીંગનો સામાન તેમજ જર્જરિત પિલરનું છારું અને કાટમાળ એમ જ પડ્યા છે, તેમ પૂજારી હરિઓમ વ્યાસે જણાવ્યું.કોર્પોરેશન એક તરફ જર્જરિત માંડવી ઇમારતનું રિસ્ટોરેશન કરવા માટે ઓનલાઇન ટેન્ડરીંગનું કામ કરતું નથી અને બીજી તરફ સવાણી એસોસિએટ્સ દ્વારા માંડવી દરવાજાને ગોડાઉન બનાવી દેવાયું છે, તે અંગે પણ કોઇ સૂચના આપતું નથી.

મ્યુનિસિપલ કમિશનરે આપેલું વચન હવે ભૂલી ગયા છે, જેના કારણે ચાર દરવાજાના રહીશો અને સતત તપ કરનારા પૂજારી હરિઓમ વ્યાસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશનના શાસકોનું પેટનું પાણી હલતું નથી તે દુખદ વાત છે. હેરીટેજ સેલ નામનો માત્ર બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની દ્વારા કોઇ કામગીરી થતી નથી. જે દિવસે કોઇ દુર્ઘટના બનશે ત્યારે અધિકારીઓ દોડતા આવી જશે, પરંતુ અત્યારથી જ પગલાં લેવા સતત માંગણી કરવામાં આવી રહી છે છતાં તેને અવગણવામાં આવે છે.નવાઈની વાત છે કે અત્યારે હેરીટેજ પખવાડીયું ઉજવી રહેલું કોર્પોરેશન પોતાનું જ હેરીટેજ સાચવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.



Reporter: admin







