અમદાવાદ: શનિવારે સાંજથી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.
મોડી રાતથી એકધારા વરસાદના કારણે સાબરનદી નદી ઉપર સ્થિત વાસણા બેરેજના હેઠવાસમાં 32410 ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવી રહ્યો છે. હાલ વાસણા બેરેજના કુલ 27 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેને લઈને સંબંધિત સત્તાધિકારીઓને સાવધાન રહેવાનું જણાવ્યું છે. આ સિવાય નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ચેતવણી આપવામાં આવી છે. આ દરમિયાન બનાસકાંઠાના દાંતામાં મંંડાલી પાસે સાબરમતી નદી વચ્ચે ફસાયેલા 8 લોકોને ફસાયા હતા. જેમને SDRF ટીમ અને દાંતા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા આજે વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અતિ ભારે વરસાદની આગાહને ધ્યાને લઈ ગાંધીનગરમાં મુખ્ય સચિવ પંકજ જોષીએ સમીક્ષા બેઠક બોલાવી હતી. જેમાં આજે યોજાનારી GPSC પરીક્ષાને ધ્યાને લઈને પરીક્ષા કેન્દ્રો ખાતે તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરોને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આગોતરી તૈયારીની સમીક્ષા કરાઈ હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ ડેમના જળસ્તર અને વરસાદી આવક વિશે વિગતવાર માહિતી મેળવી હતી. જો જરૂર જણાય તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા પણ જણાવ્યું હતું. આ સિવાય કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.વલસાડ જિલ્લામાં મેઘરાજાએ રમત તેજ કરી દેતા ચેરાપુંજી ગણાતા કપરાડામાં દિવસે 8 કલાકમાં 6 ઇંચ સહિત 24 કલાકમાં 7.8 ઇંચ વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી-પાણી થતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Reporter:







