કોઈ પણ ઇમારત બનાવવી હોય,રસ્તાઓ બનાવવા કે આ પ્રકારના અન્ય કોઈપણ કામ માટે નદીની રેતીની જરૂર પડે જ.અને વિકાસની સાથે રેતીની જરૂર કૂદકે ને ભૂસકે વધી રહી છે અને આ માંગને પહોંચી વળવા જ્યાં થી મળે ત્યાંથી રેતીનું ખનન વધી રહ્યું છે.અને વધતી માંગને સંતોષવા લીઝ ની મર્યાદા ઓળંગી ને અનૈતિક ખનન વધતું જાય છે.
લીઝ ધારકો નિયમો પાળતા નથી,એમને રાજકીય ઓથ મળે છે અને ખનીજ વિભાગ પાસે નજર રાખવા અને પગલાં લેવા માટે જરૂરી માનવ સંપદા ઓછી પડે છે એટલે અમર્યાદિત અને બિન અધિકૃત ખનન અટકાવી શકાતું નથી. નદીના પટમાં ઢગલે ઢગલા રેતી નદી માટે નકામી વસ્તુ નથી. એ નદીના પરિસર તંત્રની જાળવણી માટે અગત્યનું ઘટક છે.એક મર્યાદામાં રેતી ઉલેચી શકાય પરંતુ અમર્યાદ ખોદકામ થી નદીનું પર્યાવરણ અને તંદુરસ્તી જોખમાય છે.હાલમાં સમાચાર આવ્યા કે વડોદરા મનપા એ મહી નદીમાં શહેરી પાણી પુરવઠા માટે જે ફ્રેંચવેલ બનાવ્યા છે તેની આસપાસ મર્યાદા વગર રેતીના ખનન થી,વેલના રેડિયલ ને નુકશાન થાય છે અને રેતીનું સિલ્ટિંગ થવાથી પંપો પૂરી ક્ષમતા થી ચલાવી શકાતા નથી એટલે શહેરીજનો માટેના પાણી પુરવઠામાં ખોટ પડે છે.એનું કારણ શું? તો કહે છે કે આ ફ્રેન્ચવેલ વડોદરા અને આણંદ જિલ્લાની સેળભેળ થતા હદ વિસ્તારમાં આવેલા છે.અગાઉ તેની આસપાસ રેતી ખનનની મંજૂરી આપવામાં આવતી ન હતી.હવે આણંદ જિલ્લાના સત્તાધીશો એ પરવાનગી આપી એટલે કુવાઓ ને નુકસાન થઈ રહ્યું છે.એટલે અહીં બે જિલ્લા વહીવટી તંત્રો વચ્ચે સંકલનનો અભાવ મુશ્કેલી સર્જી રહ્યો હોય એવું લાગે છે.
નદીના પ્રવાહની વચ્ચે થી આડેધડ રેતી કાઢવાથી નદીમાં ઊંડા ધરા બની જાય છે.છીછરું પાણી જોઈને નહાવા પાડનારા આ ધરામાં ખાબકી ને ડૂબી જાય છે. મહી,ઓરસંગ અને નર્મદા જેવી નદીઓમાં ડૂબવાની ઘટનાઓ વારંવાર બને છે એની પાછળ આ અવિચારી રેતી ખનન પણ કેટલાક અંશે જવાબદાર છે.શું બાંધકામ ઉદ્યોગ માં રેતીનો વપરાશ ઘટાડી શકે એવી કોઈ વૈકલ્પિક સામગ્રી મળી શકે? કેટલીક જગ્યાએ રેતીના વિકલ્પે ઉપયોગમાં લઇ શકાય એવા મટીરીયલ વિકસાવવાના પ્રયોગો થયાનું જાણ્યું છે.પરંતુ આ ક્ષેત્રમાં ઝડપી સંશોધન અનિવાર્ય બનતું જાય છે.કારણ કે રેતીના ઉપલબ્ધ જથ્થા કરતા માંગ ખૂબ વધતી જાય છે.તંત્ર દ્વારા ડ્રોન સર્વેલન્સ જેવા ઉપાયો અજમાવવા માં આવી રહ્યાં છે.પરંતુ તે પૂરતા હોય તેવું જણાતું નથી.રેતીની ચોરી અને બિન અધિકૃત ખોદકામ અટકાવવા તંત્રની કડકાઈ અને ઉપાયો વધારવા પડશે.નાણાકીય દંડ ઉપરાંત રેતીની ચોરીમાં એકથી વધુ વાર ઉપયોગમાં લેવામાં આવ્યા હોય એવા વાહનો,બિન અધિકૃત રેતી ખનનમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવતા યંત્રોને હંમેશા માટે જપ્ત કરવા અને રેતી વિષયક ગેર કાનૂની કામોને આર્થિક દંડ ઉપરાંત ક્રિમીનલ ઓફેન્સ ગણીને જેલવાસની સજા જેવી જોગવાઈઓ દાખલ કરવા અંગે વિચારણા કરવી પડશે.માપસર રેતી ખનન થી બાંધકામ ઉદ્યોગ ચાલુ રાખવો અને નદીનું રક્ષણ કરવું,આ બંને ધ્યેયોનું સંકલન કરવું જ રહ્યું.બાકી રેતી વગરની નદીઓ વહેલી મોડી અવશ્ય મરી જશે.
Reporter: News Plus