ભાજપ સરકાર દ્વારા મનરેગા ને નબળી પાડવાના મુદ્દે.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન, પોલીસે 50થી વધુ કાર્યકર્તાઓ ડિટેઇન કર્યા

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) કે જે શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે હતી તેને નબળી પાડવાના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જ્યાં કોંગ્રેસના પદાધિકારીઓ દ્વારા 'ભાજપ હાય હાય ના નારા સાથે વિરોધ શરૂ કરતાં જ પોલીસે પચાસ જેટલા કોંગ્રેસ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે મનરેગા કાયદાને નબળું પાડવાના ભાજપ સરકારના પગલાં સામે વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે મહાત્મા ગાંધી નગર ગૃહ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ શરૂ થતાંની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો અને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ દ્વારા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા. અંદાજે 50થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. કાર્યકર્તાઓને રાવપુરા પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ પણ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર ચાલુ રહ્યા હતા. સૂત્રોચાર કરતા કાર્યકર્તાઓ જમીન પર બેસી જતા પરિસ્થિતિ તંગ બની હતી. આખરે પોલીસે તેમને ટીંગાટોળી કરી પોલીસ સ્ટેશનની અંદર લઈ જઈ ડિટેઇન કર્યા હતા. કોંગ્રેસ દ્વારા મનરેગા અને શ્રમિક અધિકારો મુદ્દે સરકાર સામે વિરોધ યથાવત રાખવાની ચીમકી આપવામાં આવી છે.




Reporter: admin







