નવી દિલ્હી: દિલ્હીના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવતા વિવાદ સર્જાયો છે. જેને પગલે ન્યાયતંત્રની શાખ દાવ પર લાગી છે. આવા સમયે મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના સહિત સુપ્રીમ કોર્ટના બધા જ જજોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરવાની જાહેરાત કરી છે.
સુપ્રીમ કોર્ટની ફૂલ કોર્ટે ૧ એપ્રિલે તેમની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે સીજેઆઈ સંજીવ ખન્ના સમક્ષ રજૂ કરવામાં આવેલી જજોની સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવે. આ પહેલા જજોએ સીજેઆઈ સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જજોની સંપત્તિઓની વિગતો અપલોડ કરવા સંપૂર્ણપણે સ્વેચ્છા પર નિર્ભર હતું, પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે જજોની સંપત્તિઓ અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવશે.
હાલમાં સીજેઆઈ સહિત સુપ્રીમ કોર્ટના કુલ ૩૦ ન્યાયાધીશોએ તેમની સંપત્તિની વિગતો જાહેર કરી છે, જેમાં ન્યાયાધીશો બીઆર ગવઈ, સૂર્યકાંત, અભય ઓક, જેકે માહેશ્વરી, બીવી નાગરત્નાનો સમાવેશ થાય છે.દિલ્હીમાં ન્યાયાધીશ યશવંત શર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ સળગેલી હાલતમાં મળી આવ્યા પછી ન્યાયતંત્રમાં પારદર્શિતા પર સવાલો ઉઠવા લાગ્યા છે. તેવા સમયે ન્યાયતંત્રમાં પારદર્શીતા લાવવા અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે આ નિર્ણય લેવાયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પૂર્વ અધ્યક્ષ આદિશ અગ્રવાલે ન્યાયાધીશોની સંપત્તિ જાહેર કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં હાઈકોર્ટના ન્યાયાધીશો પણ તેમની સંપતીની વિગતો જાહેર કરશે
Reporter: admin