મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટ હજી પ્રોબેશન કાળમાં છે એટલે એમને ડિસમીસ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર પાસે છે
મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટને ડિસમિસ કેમ નહીં કરવા ?
પ્રોબેશન કાળમાં જ આટલો ભ્રષ્ટાચાર કરે છે તો કાયમી થયા પછી શું કરશે ? તેવો સવાલ ઉપસ્થિત થતા બંનેને ડિસમીસ કરવાની વિચારણા શરુ
જેમની નિમણૂકમાં ભલામણ, ભ્રષ્ટાચાર અને વ્હાલાદવલાના આરોપો લાગ્યા હતા. જે પદ પર એમની નીમણૂક કરવાની હતી તે કામ માટેના તેમના અનુભવો પર અનેક સવાલો ઉપસ્થિત થયા હતા. સમાજના પ્રહરી તરીકે ગુજરાતની અસ્મિતા અખબારે જેમની નીતિ અને નિયત બંને પર વારંવાર શંકા વ્યક્ત કરી હતી. તેમ છતાંય તમામ નિયમો અને કાયદાથી ઉપરવટ જઈને જેમને વડોદરા ફાયર બ્રિગેડનું સુકાન સોંપવામાં આવ્યુ હતુ. તેવા ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ અને ડે. ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને માત્ર છ મહિનાના ટૂંકા કાર્યકાળમાં જ સસ્પેન્ડ કરવા પડે તેનાથી વધુ આઘાતજનક બાબત શી હોઈ શકે ? કહેવાય છે કે, હવે મનોજ પાટિલ, નૈતિક ભટ્ટ અને ડો. દેવેશ પટેલ સામે પોલીસ કેસ કરવાની તજવીજ શરુ કરી દેવાઈ છે. અને અંદરખાને એવી પણ વાત છે કે, નોકરી પરના ખૂબ જ ટૂંકા કાર્યકાળ દરમિયાન બેફામ ભ્રષ્ટાચાર કરવા બદલ મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટને ડિસમીસ કરવાની વિચારણા પણ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટ બંને નોકરીના પ્રોબેશન કાળમાં છે. અને પ્રોબેશન કાળમાં જ બંને જણા સામે કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે તો કાયમી થયા પછી તેઓ શું કરશે ? તેવો સવાલ ઉભો થતા જ રાજ્ય સરકારમાં ચિંતા વ્યાપી ગઈ છે. આખરે, રાજ્ય સરકારે આવા ભ્રષ્ટાચારીઓને ડિસમીસ કરવાની વિચારણા સુધ્ધા શરુ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરીકે મનોજ પાટિલની નિમણૂક ફેબ્રુઆરી મહિનામાં જ થઈ છે. અને ડે. ફાયર ઓફિસર તરીકે નૈતિક ભટ્ટને જાન્યુઆરીમાં એપોઈન્ટમેન્ટ અપાઈ છે. આમ, બંનેનો કાર્યકાળ છ-સાત મહિના જેટલો જ થયો છે. બંને જણા પ્રોબેશન કાળમાં જ છે. વડોદરા કોર્પોરેશનમાં પ્રોબેશન કાળમાં ફરજ બજાવતા કોઈપણ કર્મચારીને ડિસમીસ કરવાનો સીધો અધિકાર મ્યુનિસિપલ કમિશનરને છે. અને એ જ સત્તાને આધારે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સસ્પેન્ડેડ મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટને ડિસમીસ કરી શકે છે. વડોદરા કોર્પોરેશનના સત્તાધારી પક્ષ પાસે પોતાની ભુલ સુધારવાનો આ એક મોકો છે. મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટને ડિસમીસ કરીને ભાજપ પોતાની ભુલ અને છબી બંને સુધારી શકે છે. એટલું જ નહીં કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી સમક્ષ દાખલો પણ બેસાડી શકે છે. છેલ્લા છ મહિનાથી મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટની નિમણૂક, એમની કાર્યશૈલી અને એમની વર્તણૂક ઉપર વારંવાર સવાલો ઉભા કરી રહ્યુ છે. અમે આ બંને અધિકારીઓના વિરુધ્ધમાં છ મહિનામાં લગભગ પચાસથી વધુ અહેવાલો પ્રકાશિત કર્યા છે. અને આખરે ન્યાયના ત્રાજવે અમારી વાત સાચી ઠરી છે. મોડેમોડે પણ મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરવા પડ્યા તે અમારી જ નહીં પણ શહેરની પચ્ચીસ લાખ જનતાની જીત છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ ગણતરીના દિવસોમાં મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટ સામે પહેલા તો પોલીસ ફરિયાદ કરાવશે અને પછી પોતાની સત્તાનો સદઉપયોગ કરીને મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટ જેવા પ્રોબેશન પિરિયડમાં જ ભ્રષ્ટાચાર આચરનારા અધિકારીઓને ડિસમીસ કરશે.
મનોજ પાટિલની નિમણૂક પર સવાલો ઉઠ્યાં હતા
1. મનોજ પાટિલને ચીફ ફાયર ઓફિસર બનાવવાનો નિર્ણય જ ખોટો હતો. હકીકતમાં મનોજ પાટિલ આ પોસ્ટ માટે લાયક ઉમેદવાર હતા જ નહીં. જે તે સમયે એવો આરોપ પણ લાગ્યો હતો કે, ચીફ ફાયર ઓફિસર બનવા માટે કોઈપણ શહેરના કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં સાત વર્ષ સુધી ફરજ બજાવવાનો અનુભવ હોવો જોઈએ જે મનોજ પાટિલ પાસે હતો જ નહીં.
2. ગુજરાતના કોઈપણ શહેરના કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર તરીકે કામ કરવુ હોય તો એને ગુજરાતી ભાષા વાંચતા અને લખતા આવડવુ જોઈએ પણ મનોજ પાટિલ મહારાષ્ટ્રના હોવાથી એમને ગુજરાતી ભાષાનું જ્ઞાન હતુ જ નહીં.
3. તમને જાણીને આશ્ચર્ય થશે પણ અમદાવાદ કોર્પોરેશને ઈમરજન્સી સર્વિસિસમાં ડિવિઝનલ ઓફિસર તરીકે ડે. ચીફ ફાયર ઓફિસરની પોસ્ટના ઈન્ટરવ્યૂમાં મનોજ પાટિલને ધરાર રિજેક્ટ કરી દીધા હતા. જેને પાછળથી વડોદરા કોર્પોરેશને ચીફ ફાયર ઓફિસર બનાવીને પોતાનો જ મજાક ઉડાડ્યો હતો.
4. મનોજ પાટિલ પાસે ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ માટેનો જરુરી અનુભવ હતો જ નહીં તેમ છતાંય તેમની નિમણૂક કરવામાં આવી હતી.
નૈતિક ભટ્ટની એપોઈન્ટમેન્ટ જ અનૈતિક હતી
વડોદરા ફાયર બ્રિગેડના ડે. ફાયર ઓફિસર તરીકેની એપોઈન્ટમેન્ટ મેળવનારા નૈતિક ભટ્ટની નિમણૂક જ અનૈતિકતાના પાયા ઉપર થયેલી છે. તમને જાણીને નવાઈ લાગશે પણ નૈતિક ભટ્ટ અગાઉ અમદાવાદ ફાયર બ્રિગેડમાં નોકરી કરતા હતા. પરંતુ, તેમણે નોકરી મેળવવા માટે રજૂ કરેલા દસ્તાવેજોમાં ગરબડ જોવા મળી હતી. જેથી તેમની સામે તપાસના આદેશો થયા હતા. એમની સામે વિજિલન્સ તપાસ શરુ થઈ છે તેવો ઉલ્લેખ તેમની સર્વિસ બુકમાં પણ થયો હતો. આમ, નૈતિક ભટ્ટની અમદાવાદ કોર્પોરેશન સાથેની ગરબડોને ધ્યાનમાં રાખ્યા વિના જ તેને વડોદરા ફાયર બ્રિગેડમાં ડે. ફાયર ઓફિસર તરીકેની નિમણૂક આપવાની અનૈતિક એપોઈન્ટમેન્ટ સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા.
એપોઈન્ટમેન્ટથી સસ્પેન્સન વચ્ચેનું સસ્પેન્સ
એક સમય હતો, જ્યારે વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જેવી મહત્વની પોસ્ટ ઉપર મનોજ પાટિલને બેસાડવા માટે સત્તાધારી પક્ષના નેતાઓ હરખપદુડા થતા હતા. એક સમય એવો હતો જ્યારે ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ માટે મનોજ પાટિલ લાયક ઉમેદવાર છે કે કેમ ? તેની પરવા કરવા પણ કોઈ તૈયાર ન હતુ. અને આજે છ મહિના પછી એવો સમય આવ્યો છે જ્યારે મનોજ પાટિલને એમના જ પદ ઉપરથી સસ્પેન્ડ કરવા પડ્યા છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે, જેને કોઈપણ પ્રકારની લાયકાત વિના વડોદરાના ચીફ ફાયર ઓફિસર તરીકેની અપાર સત્તા સોંપવામાં આવી તેને છ મહિનામાં જ સસ્પેન્ડ કેમ કરવો પડ્યો ? અમદાવાદ કોર્પોરેશનના રિજેક્ટેડ પીસ ગણાતા નૈતિક ભટ્ટને વડોદરામાં ડે. ફાયર ઓફિસર તરીકેની મહત્વની પોસ્ટનો શિરપાવ આપવામાં આવ્યો તો પછી તેને સાત મહિનામાં જ સસ્પેન્ડ કેમ કરવો પડ્યો ? હવે, સવાલ એ ઉપસ્થિત થાય છે કે, શું સત્તાધારી પક્ષે મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટની નિમણૂકમાં જ ભુલ કરી હતી કે, પછી એમને સસ્પેન્ડ કરવાની ગુસ્તાખી કરી છે ? ખેર, મનોજ અને નૈતિક પાછળ પીઠબળ કોનું હતુ ? તે સમજવુ પણ એટલુ જ જરુરી છે. બંનેની એપોઈન્ટમેન્ટ અને સસ્પેન્શન વચ્ચેનું સસ્પેન્સ ખરેખર ચોંકાવનારુ છે. આ રહસ્ય પરથી ટૂંક સમયમાં જ પડદો ઉઠશે. હકીકતમાં મનોજ પાટિલ અને નૈતિક ભટ્ટે વડોદરામાં કોઈ મોટામાથા સાથે ડખો ઉભો કર્યો હતો. અને કદાચ એને લીધે જ આખીય બાજી પલટી ગઈ છે.

મનોજ પાટિલે બોગસ એનઓસી કાંડમાં પગલા કેમ ના લીધા ?
વડોદરા ચીફ ફાયર ઓફિસર તરીકેનું પદ સંભાળ્યા બાદ મનોજ પાટિલ ફાટીને ધૂમાડે ગયો હતો. તેણે પોતાના છ મહિનાના ટૂંકા કાર્યકાળ દરમિયાન કોઈ જ એવુ કામ કર્યું નથી જેની સકારાત્મક નોંધ લેવાય. મનોજ પાટિલના કાર્યકાળ દરમિયાન વડોદરા શહેરમાં બોગસ ફાયર એનઓસીના બે કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. આ બંને બનાવોમાં ચીફ ફાયર ઓફિસરે કોઈ જ નોંધપાત્ર કાર્યવાહી કે, તપાસ કરી હોય એવુ ધ્યાને આવ્યુ ન હતુ. હકીકતમાં બોગસ ફાયર એનઓસી જેવી ગંભીર બાબતમાં ચીફ ફાયર ઓફિસરની કામગીરી કડક હોવી જોઈએ. પણ મનોજ પાટિલે ભેદી સંજોગોમાં આવી તપાસમાં કશું જ કર્યું ન હતુ. આવા કેસોમાં મનોજ પાટિલની દેખીતી નિષ્ક્રિયતા પાછળનું કારણ શું તેની તપાસ પણ થવી જરુરી છે. મનોજ પાટિલે બોગસ એનઓસી કૌભાંડમાં કેમ કોઈ પગલા ના લીધા ? તે પણ શંકા ઉપજાવે તેવી બાબત છે.
શબ વાહિનીનો ટાયરની હેરાફેરી કરાવી લોકોની લાગણી દુભાવી
વડોદરા કોર્પોરેશને મૃતદેહોને સ્મશાન સુધી પહોંચાડવા માટે ફાયર બ્રિગેડને શબ વાહિની આપી છે. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટિલ શબ વાહિનીમાં ટાયરોની હેરાફેરી કરાવતા હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતા. મનોજ પાટિલના કાર્યકાળમાં જે જગ્યાએ મૃતદેહ મુકવો જોઈએ તે સ્થાને ટાયરો મુકવામાં આવતા હતા. આ તદ્દન અસંવેદનશીલ બાબત હતી. અને લોકોની લાગણી પણ દુભાઈ હતી. તેમ છતાંય મનોજ પાટિલને ક્લિનચીટ મળી ગઈ હતી. જેનાથી એમના મનોબળમાં વધારે થયો હતો અને તે બેફામ બની ગયો હતો. આખરે, ભ્રષ્ટાચારના કારણે તેને સસ્પેન્ડ કરી દેવો પડ્યો હતો. જો, શબ વાહિનીમાં ટાયરની હેરાફેરી બદલ તેની સામે લાલઆંખ કરવામાં આવી હોત તો કદાચ મનોજ પાટિલ આટલો બેફામ ના બન્યો હોત.
અધિકાર ક્ષેત્રથી ઉપરવટ જઈને કૌશલને સ્ટોર ઈનચાર્જ બનાવ્યો
વડોદરા ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર તરીકેની નિમણૂક પામ્યા પછી મનોજ પાટિલ સરમુખત્યાર બની ગયો હતો. તેણે કોર્પોરેશનના તમામ નિયમોને નેવે મુકીને આપખુદશાહી શરુ કરી દીધી હતી. ફાયર બ્રિગેડમાં ક્યાં કર્મચારીને શું જવાબદારી સોંપવી તેનો નિર્ણય પણ તેણે જાતે જ લેવાના શરુ કર્યા હતા. તેણે કરેલી આવી જ એક એપોઈન્ટમેન્ટ વિવાદનું મૂળ બની હતી. હકીકતમાં મનોજ પાટિલે પોતાની સત્તાનો દૂરઉપયોગ કરીને કૌશલ શાહ નામના કર્મચારીને સ્ટોર ઈનચાર્જ બનાવી દીધો હતો. પોતાના અધિકાર ક્ષેત્રથી આગળ વધીને તેણે આ નિર્ણય થોપ્યો હતો. જેની ખૂબ ટિકા પણ થઈ હતી અને એનો જબરદસ્ત વિરોધ પણ થયો હતો.
મનોજ પાટિલ આણી મંડળીએ ભ્રષ્ટાચાર કેવી રીતે આચર્યો
કલ્પના કરો કે, તમે કોઈ રેસ્ટોરાંમાં ચા પીવા જાવ છો. માની લો કે રેસ્ટોરાંમાં એક કપ ચાની કિંમત 20 રુપિયા છે. તમે ચા પીધા પછી જ્યારે બીલ ચુકવવા જાવ અને રેસ્ટોરાંનો મેનેજર તમારી પાસે એક કપ ચાના પાંચસો રુપિયા માંગે તો તમને કેવું લાગે ? રેસ્ટોરાંનો મેનેજર તમને એવું સમજાવે કે, ચાની પત્તીના વીસ રુપિયા, એમાં નાંખેલી ખાંડના સો રુપિયા, એમાં દૂધ ઉમેરવાના બસ્સો રુપિયા, ચાનો મસાલો એંશી રુપિયા અને એમાં ઉમેરેલું પાણી પચાસ રુપિયા અને ચા બનાવવા માટે વપરાયેલો ગેસ સો રુપિયા...જેનું ટોટલ થાય છે પાંચસો રુપિયા....એટલે આપે એક કપ ચાના પાંચસો રુપિયા ચુકવવા પડશે...ઉપરોક્ત કિસ્સાની જેમ મનોજ પાટિલ આણી મંડળીએ બોટની ખરીદીમાં આવા જ પ્રકારનો ભ્રષ્ટાચાર આચર્યો હતો. તેમણે વડોદરા ફાયર બ્રિગેડ માટે આઠ બોટ ખરીદી હતી. પણ એમાં ઈમરજન્સી વ્હીસલ, પાણીની બોટલ, બેટરી, ટોર્ચ જેવા અલગ-અલગ સાધનોની ખરીદીમાં દસ-દસ ગણા ભાવ ચુકવીને આંકડો સવા ત્રણ કરોડની આસપાસ પહોંચાડી દીધો હતો. એમને એવું હતુ કે, વડોદરામાં બધા અબુધ લોકો વસવાટ કરે છે. પણ એમને ખબર નથી કે, આ વડોદરા છે. અહીં ભલભલાને પાણીના નામે ભૂ પીવડાવવાવાળા પણ ઘણા પડ્યાં છે.
દેવેશ પટેલ, મનોજ પાટીલ અને નૈતિક ભટ્ટ સામે ખાતાકીય તપાસ પણ થશે
ફાયર બ્રિગેડમાં નોર્મલ કરતા વધારે ભાવથી ખરીદી કરાઇ હતી તે બાબત ધ્યાનમાં આવતા ડે.કમિશનર અને અન્ય અધિકારીઓની તપાસ કમિટી બનાવી હતી તે તપાસ અહેવાલના આધારે એચઓડી અને સીએફઓ તથા ડે સીએફઓની સામે કાર્યવાહી કરાઇ છે. આ કાર્યવાહીમાં ફરી આવનારા દિવસોમાં તમામ સામે ખાતાકીય તપાસ કરાશે.
અરુણ મહેશ બાબુ, કમિશનર
ચીફ એકાઉન્ટન્ટ, ઓડિટર, સ્ટોર ઇન્ચાર્જ સામે પણ ફાયરના ભ્રષ્ટાચાર સામે કેમ કાર્યવાહી ના કરાઇ ?
ઉંચા ભાવે ફાયરના સાધનોની ખરીદી કરવામાં સીએફઓ મનોજ પાટિલ, ડે.સીએફઓ નૈતિક ભટ્ટ અને ફાયરના એચઓડી ડો.દેવેશ પટેલને કમિશનરે સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકિય તપાસના આદેશ કરી દીધા છે. જો કે જે પ્રમાણે આ ખરીદીની પ્રક્રિયા છે તેમાં આ ત્રણેય અધિકારી સામે તપાસ કરનારા ચીફ એકાઉન્ટન્ટ, ઓડિટર ઉપરાંત સ્ટોર ઇન્ચાર્જ કૌશલ શાહ અને સ્થાયીના સભ્યો તથા સામાન્ય સભા પણ તેટલા જ જવાબદાર છે. હવે ચીફ એકાઉન્ટન્ટ અને ઓડિટર સામે પણ કમિશનરે આવા ગંભીર મામલામાં લાપરવાહી દાખવવા બદલ કડક પગલા લેવા જોઇએ કે જ્યારે તેમણે આ ટેન્ડરને મંજુરી આપી અને તેના ભાવ પાસ કર્યા ત્યારે તેમણે કેમ જોયું નહી કે ઉંચા ભાવે સાધનોની ખરીદી થઇ રહી છે.
ફાયરના ટેન્ડર ખરીદી કૌભાંડ કેવી રીતે થયું ?
સીએફઓ મનોજ પાટીલે પહેલા સ્ટોર ઇન્ચાર્જ કૌશલ શાહ સાથે મળીને નક્કી કર્યું કે ફાયર વિભાગ માટે આટલા સાધનો જોઇએ છે. ત્યારબાદ કૌશલ શાહે વેન્ડરો જોડે ક્વોટેશન મંગાવે છે. ક્વોટેશન આવે એટલે મનોજ પાટીલે કમિશનરને પત્ર લખીને ફાયર વિભાગને આટલા સાધનોની ખરીદી કરવી છે તેવી મંજુરી માંગતો પત્ર લખે.કમિશનરની મંજૂરી મળે એટલે મનોજ પાટીલ અને કૌશલ ભેગા મળીને જે સાધનો મંગાવવાનાં છે તેનું લિસ્ટ મંગાવે. તેમાં ફાયરને લગતી બાબતો મનોજ પાટીલ જુએ અને ટેક્નિકલ બાબતો કૌશલ શાહ જોએ. તેમાં સ્પેસીફિકેશન સહિત દરેક બાબત આવરી લેવાય છે અને ત્યારબાદ મનોજ પાટીલ આ તમામ બાબતો સાથેનો પત્ર કમિશનરને મંજૂરી મોકલે. ત્યારબાદ આ પત્ર સાથેનું લિસ્ટ એકાઉન્ટ વિભાગમાં મંજૂરી માટે જાય પછી ટેન્ડર કમિટી પાસે મંજૂરી માટે જાય. પછી આ માટે ટેન્ડર તૈયાર થાય અને મંજૂરી માટે સ્થાયી સમિતિમાં જાય. સ્થાયીની મંજૂરી મળ્યા બાદ આ ટેન્ડર સામાન્ય સભાની મંજૂરી માટે જાય છે. સભાની મંજૂરી મળે પછી પ્રિ ક્વોલિફીકેશન ક્રાઇટેરીયા તૈયાર થાય છે. ત્યારબાદ વેન્ડર અધિકારીઓ સમક્ષ ઓનલાઇન અને ફિઝીકલ પ્રેઝન્ટેશન આપી સાધનોની માહિતી આપે છે. ત્યારબાદ અમુક દિવસોમાં ટેન્ડર gem પોર્ટલ ઓપન થાય છે જેમાં ડેડ લાઈન આપવામાં આવે છે. ત્યારબાદ સીએફઓ વર્ક ઓર્ડર ઇસ્યુ કરે.અને પછી વેન્ડરે અમુક ટાઇમ લિમીટમાં મટિરીયલ સપ્લાય કરવાનું હોય છે. ત્યારબાદ વેન્ડર સાધનોની ડિલીવરી કરે છે ત્યાર પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેશન થાય છે અને પછી મામલો ઓડિટમાં જાય છે કે આ સાધનો જે ખરીદાયા છે તે બરાબર છે કે નહી . ત્યારબાદ પેમેન્ટ સુધી પ્રક્રિયા પહોંચે છે. એકાઉન્ટન્ટ ઓડિટ પ્રમાણે શરતો મુજબ પેમેન્ટ ચુકવે છે અને સાધનોની ખરીદી થઇ જાય છે. આ સમગ્ર પ્રક્રિયા તમે જોશો તો તેમાં ચીફ એકાઉન્ટન્ટ, ઓડિટર, સ્થાયી સમિતી અને સામાન્ય સભા તમામની સંડોવણી છે.ભાગબટાઈ વગર આ કૌભાંડ શક્ય જ નથી. દરેકની સામે તપાસ કરવી જરુરી છે. સ્ટોર મેનેજર કૌશલ શાહની પણ સીધી સંડોવણી છે તો તેની સામે કેમ કાર્યવાહી કરાઇ નથી તે પ્રશ્ન છે. સાધનોની ખરીદી આટલા ઉંચા ભાવે કેમ કરાઇ તેવો સાદો સવાલ કેમ કોઇએ પુછ્યો નહી તે મોટો સવાલ છે.
સીએફઓનો ચાર્જ હરેન્દ્રસિંહ ચૌહાણને સોપાયો. હરેન્દ્રસિંહના ભાગ્ય ખુલ્યા !!
વડોદરા ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ અને આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર દેવેશ પટેલને સસ્પેન્ડ કરાયા બાદ મ્યુનિસિપલ કમિશનરે અન્ય અધિકારીઓને આ ત્રણે વિભાગના હવાલા સોંપ્યા છે તે મુજબ ફાયર બ્રિગેડના ડિવિઝનલ અધિકારી હરેન્દ્રસિંહ ચૌહાણને ચીફ ફાયર ઓફિસર નો હંગામી ચાર્જ સોંપાયો છે. જ્યારે સ્ટેશન ઓફિસર અમિત ચૌધરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નો હંગામી ચાર્જ સોપાયો છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિક મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્ય ને આઈ સી ડી એસ સિવાયની બાબતોમાં મુખ્ય આરોગ્ય અધિકારીનો ચાર્જ સોપાયો છે.જ્યારે અંબિકાબેન જયસ્વાલ ને આઈસીડીએસની કામગીરી સોંપાઈ છે.

Reporter:







